નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદુષણ અટકાવવા માટે કેજરીવાવ સરકારે Odd-Even સિસ્ટમને લાગુ કરી દીધી છે, આજે બીજા દિવસે મંગળવારે 562 લોકોને મેમા આપવામાં આવ્યા હતા. વળી પહેલા દિવસે 271 લોકોનુ ચલણ કાપ્યુ હતુ. આ મામલે ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ દાવો કર્યો છે કે લોકો પુરી નિષ્ઠાથી Odd-Even સિસ્ટમનુ પાલન કરી રહ્યાં છે.


પ્રદુષણથી નિપટવા માટે ઓડ-ઇવન સિસ્ટમના આજે બીજા દિવસે ઇવન નંબરની ગાડીઓ જ માત્ર રૉડ પર દોડશે, એટલે કે જે ગાડીઓના નંબરમા છેલ્લો ડિજીટ ઇવન હશે, તે જ રૉડ પર દેખાશે.

ઉલ્લેખનીય છે કે, Odd-Even યોજના 15 નવેમ્બર સુધી સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી લાગુ થશે, આ નિયમનુ ઉલ્લંઘન કરવા પર 4000 રૂપિયાનો દંડ છે, લોકો આનુ બરાબર પાલન કરે તે માટે ટ્રાફિક, પરિવહન અને રેવન્યૂ વિભાગની કુલ 465 ટીમોને તૈનાત કરવામાં આવી છે.


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો દાવો છે કે, દિલ્હીમાં લાગુ કરવામાં આવેલી ઓડ-ઇવનનો આ ત્રીજો કાર્યકાળ છે, રૉડ પર 15 લાખ ગાડીઓ ઓછી દેખાઇ છે.

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, સોમવારે વાયુ ગુણવત્તા સૂચકાંક 416 રહ્યો, જે હાલ પણ ગંભીર શ્રેણીમાં છે. એક્યૂઆઇ 0-50ની વચ્ચે સારો 51-100 ની વચ્ચે સંતોષકારક, 101-200 ની વચ્ચે મધ્યમ, 201-300 ની વચ્ચે ખરાબ, 301-400 ની વચ્ચે અત્યંત ખરાબ, 401-500 ની વચ્ચે ગંભીર અને 500 ને પાર થાય તો એકદમ ગંભીર માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદુષણનુ સ્તર સતત વધી રહ્યુ છે, લોકોના શ્વાસમાં ઝેર જઇ રહ્યુ છે.