મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર રચવા મામલે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. સરકાર કઈ રીતે બનશે તેનું ચિત્ર હજુ પણ સ્પષ્ટ થયું નથી. દિલ્હીથી લઇ મહારાષ્ટ્ર સુધી મુલાકાતાનો દોર ચાલુ છે પરતું હજુ કોઈ ઉકેલ આવ્યો નથી. તેની વચ્ચે શરદ પવારની પાર્ટી એનસીપી અને કૉંગ્રેસના એક પ્રતિનિધિમંડળે રાજ્યના રાજ્યપાલ ભગસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિ મંડળમાં એનસીપીના નેતા અજિત પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ ઉપરાંત અન્ય નેતાઓ પણ સામેલ હતા.

આ મુલાકાત બાદ અજીત પવારે જણાવ્યું કે, ખેડૂતોની સમસ્યા અંગે પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે વાત કરી હતી. તેઓએ કહ્યું, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે ચર્ચા થઇ હતી. સાંગલી અને કોલ્હાપુર માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી નાણાંકીય સહાયતા હજુ સુધી પણ ખેડૂતોને મળી નથી, તેથી અમે ખેડૂતોની મદદ કરવાની માંગણી કરી છે.


ઉલ્લેખનીય છે કે એનસીપી પહેલા શિવસેનાનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે મુલાકાત કરી ચુક્યું છે. શિવસેનાના પ્રતિનિધિમંડળે પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને ખેડૂતો માટે મદદની અપીલ કરી હતી. શિવસેનાના નેતા બે વખત રાજ્યપાલ સાથે મુલાકાત કરી ચુક્યા છે. એક પ્રતિનિધિમંડળ આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં મળ્યું હતું.