Punjab election 2022: પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આજે કોંગ્રેસમાંથી ઔપચારિક રીતે રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે નવી પાર્ટીની જાહેરાત કરી હતી. કેપ્ટનની પાર્ટીનું નામ 'પંજાબ લોક કોંગ્રેસ' હશે. કેપ્ટન અમરિંદર સિંહે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટને પહેલા જ કહી દીધું હતું કે તેઓ કોંગ્રેસ છોડી દેશે. કેપ્ટને પોતાની પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાની જાહેરાત સાથે જ કેપ્ટન અમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. તેમણે આજે 2 નવેમ્બરે પોતાની નવી પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ના ગઠનની જાહેરાત કરી છે.
કેપ્ટન અમરિંદર સિંહે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેમની નવી પાર્ટીની રચના કરશે અને જો ત્રણ કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના હિતમાં કોઈ ઉકેલ આવે તો 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે બેઠકોની વહેંચણીની આશા છે. આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અમરિંદર સિંહે કહ્યું હતું કે તેઓ સમાન વિચારધારા ધરાવતા પક્ષો જેમ કે અકાલીઓના વિભાજિત જૂથો સાથે જોડાણ પર પણ વિચાર કરી રહ્યા છે. બે વખત મુખ્યપ્રધાન રહેલા અમરિંદર સિંહે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ પંજાબના લોકો અને પંજાબનું ભવિષ્ય સુરક્ષિત નહીં કરે ત્યાં સુધી તેઓ આરામ કરશે નહીં.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથેના ઝઘડા વચ્ચે કેપ્ટને 18 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ આગળની રણનીતિ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નો પર તેમણે કહ્યું કે નજીકના મિત્રો સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશું. આ પછી તેમણે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને 30 ઓક્ટોબરે કહ્યું હતું કે, "હું ટૂંક સમયમાં મારી પોતાની પાર્ટી બનાવીશ અને ખેડૂતોનો મુદ્દો ઉકેલાયા પછી, પંજાબમાં વિધાનસભા ચૂંટણી, 2022 માટે ભાજપ, શિરોમણી અકાલી દળમાંથી વિભાજિત જૂથો સાથે બેઠકોને લઈ ચર્ચા કરવામાં આવશે.
સિંહે કહ્યું, "હું પંજાબ અને રાજ્યના ખેડૂતોના હિતમાં એક મજબૂત સામૂહિક બળ ઇચ્છું છું." ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ કાયદાઓ ઘડવામાં આવ્યા હતા અને વિરોધ કરી રહેલા ખેડૂતો તેને રદ કરવાની માંગ કરી રહ્યા છે.