Arvind Kejriwal:  CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની  લીકર કેસમાં તિહાડ જેલમાંથી ધરપકડ કરી છે. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સી CBI દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.


 






સોમવારે સીબીઆઈએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં જેલમાં જ તેમની પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન નોંધ્યું હતું. AAP સાંસદ સંજય સિંહનું કહેવું છે કે સીએમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની પૂરી સંભાવના હતી અને તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી છે.


દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈએ મંગળવારે તિહાડ જેલમાં સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી. આ પછી કેન્દ્રીય એજન્સીએ મંગળવારે તેમની ધરપકડ કરી હતી. તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આવતીકાલે બુધવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એજન્સી તેની કસ્ટડી માંગશે.


CBI દ્વારા અરવિંદ કેજરીવાલની તિહાડ જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ તિહાર જેલમાં બંધ છે. હાલમાં સીબીઆઈ તેમને આવતીકાલે એટલે કે બુધવારે (26 જૂન) કોર્ટમાં રજૂ કરશે.


દિલ્હીની નવી લિકર પોલિસી


દિલ્હીની કેજરીવાલ સરકારે 17 નવેમ્બર 2021ના રોજ આબકારી નીતિ 2021-22 લાગુ કરી હતી. આ નવી નીતિ હેઠળ, રાજધાનીના દારૂના સમગ્ર વ્યવસાયને ખાનગી કંપનીઓને સોંપવામાં આવ્યો હતો.. કેજરીવાલ સરકારે દાવો કર્યો હતો કે નવી નીતિથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં પણ વધારો થશે.


અગાઉ, દિલ્હીમાં દારૂના વેચાણ માટે બે પ્રકારના લાઇસન્સ આપવામાં આવ્યા હતા - L1 અને L10. જે દુકાનો DDA માન્ય બજારો, સ્થાનિક શોપિંગ સેન્ટરો,  જિલ્લા કેન્દ્રો અને સમુદાય કેન્દ્રોમાં હતી તેમને L1 લાયસન્સ આપવામાં આવ્યું હતું. જે દુકાનો  મોલમાં આવેલી હતી તેમને L10 લાયસન્સ આપવામાં આવ્યું હતું.


નવી દારૂની નીતિને મંજૂરી મળ્યા બાદ દિલ્હીમાં સરકારી દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. રાજધાનીને 32 ઝોનમાં વહેંચવામાં આવી હતી. દરેક ઝોનમાં 27 દારૂની દુકાનો હતી. દરેક વોર્ડમાં 2 થી 3 ફેરિયાઓને દારૂનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવી હતી. જો કે, આ નીતિ શરૂઆતથી જ વિવાદોમાં રહી અને આઠ મહિના પછી, આખરે 28 જુલાઈ 2022 ના રોજ, દિલ્હી સરકારે નવી નીતિને રદ કરી


શું છે દારૂની નીતિમાં કથિત કૌભાંડ?


દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારે 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂના કૌભાંડનો પર્દાફાશ કરતો એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં મનીષ સિસોદિયા સહિત આમ આગામી પાર્ટીના મોટા નેતાઓ પર કૌભાંડના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તે સમયે એક્સાઇઝ વિભાગ સિસોદિયા પાસે હતો. રિપોર્ટમાં સિસોદિયા પર લાઇસન્સ ધરાવતા દારૂના વેપારીઓને અન્યાયી રીતે ફાયદો પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોરોનાનું બહાનું કાઢીને ઉદ્યોગપતિઓ પાસેથી વસૂલવામાં આવેલી 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી મનસ્વી રીતે માફ કરવામાં આવી હતી. તે જ સમયે, એરપોર્ટ ઝોનના લાઇસન્સ ધરાવતા દારૂના વેપારીઓને 30 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા, જ્યારે આ રકમ જપ્ત કરવાની હતી.


આ પછી એલજી વીકે સક્સેનાએ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. ત્યારબાદ 17 ઓગસ્ટ 2022ના રોજ સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. બીજી બાજુ, નાણાંની ગેરરીતિનો આરોપ હોવાથી, EDએ પણ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ નોંધ્યો હતો.


EDએ 2 નવેમ્બર 2022ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું.