નવી દિલ્હીઃ સીબીઆઇના પૂર્વ સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાના માટે શનિવારનો દિવસ રાહતરૂપ રહ્યો હતો. સીબીઆઇની વિશેષ કોર્ટે તપાસ એજન્સી દ્ધારા જમા કરવામાં આવેલા રિપોર્ટનો સ્વીકાર કરી લીધો છે વાસ્તવમાં સીબીઆઇના પૂર્વ સ્પેશ્યલ ડિરેક્ટર અસ્થાનાને લાંચ અને ખંડણી માંગવાના કેસમાં ક્લીનચીટ આપવામાં આવી છે. આ અગાઉ રાકેશ અસ્થાના વિરુદ્ધ  હૈદરાબાદના વેપારી સતીશ સનાને લાંચ અને ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તેમને તત્કાળ પદ પરથી હટાવવામાં આવ્યા હતા.


રાકેશ અસ્થાનાનો આરોપ છે કે આ ફરિયાદ ત્યારના સીબીઆઇ ડિરેક્ટર આલોક કુમારના કહેવા પર નોંધવામાં આવી હતી. સીબીઆઇ કોર્ટે ચાર્જશીટનો સ્વીકાર કરતા કહ્યું કે, તપાસ એજન્સીને રાકેશ અસ્થાના વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. જોકે, હવે ટ્રાયલ મનોજ પ્રસાદના ભાઇ સોમેશ્વર પ્રસાદ અને તેમના સસરા, સુનીલ મિત્તલ પર ચાલશે. આ અગાઉ સીબીઆઇ ચાર્જશીટ ફક્ત મનોજ પ્રસાદ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે માન્યુ હતું કે, સોમેશ્વર પ્રસાદ અને તેમના સસરા, સુનીલ મિત્તલ પર ટ્રાયલ ચલાવવા માટે પુરતા પુરાવા છે.


કોર્ટે કહ્યું કે, રાકેશ અસ્થાના અને તત્કાલીન ડીએસપી દેવેન્દ્ર કુમાર વિરુદ્ધ ખંડણી અને લાંચ માંગવાના પુરાવા મળ્યા નથી. એટલા માટે તપાસ એજન્સીનો રિપોર્ટ સ્વીકારતા તેઓને ક્લીન ચિટ આપવામાં આવે છે. જોકે, હજુ કેસની તપાસ ચાલી રહી છે એટલા માટે જો એજન્સીને પૂછપરછની જરૂર હશે તો બંન્નેને ગમે ત્યારે બોલાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે આ કેસમાં ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કોર્ટના હસ્તક્ષેપ બાદ રાકેશ અસ્થાને ધરપક઼ડથી રાહત મળી હતી.