કોરોના વાયરસથી પણ વધુ ખતરનાક ભાજપનો હિંદુ-મુસલમાન વાયરસઃ સંજય સિંહ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Mar 2020 06:00 PM (IST)
સંજય સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી ભાજપને ખિસ્સાકાતરુ પાર્ટી ગણાવી હતી.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને નેતા સંજય સિંહે યસ બેન્ક સંકટને લઇને ભાજપ પર નિશાન સાધ્યું છે. સંજય સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી ભાજપને ખિસ્સાકાતરુ પાર્ટી ગણાવી હતી. સંજય સિંહે કહ્યુ કે, ના હિંદુ બચશે, ના મુસ્લિમ બચશે, ભાજપના રાજમાં તમામ વ્યક્તિ લૂંટાશે. ભાજપનો હિંદુ મુસ્લિમ વાયરસ, કોરોના વાયરસથી વધુ ખતરનાક છે. એક તરફ તમને રમખાણોમાં વ્યસ્ત રાખ્યા અને બીજી તરફ ભારતીય ખિસ્સાકાતરુ પાર્ટીએ તમારું ખિસ્સું કાપી લીધું. એક અન્ય ટ્વિટમાં સંજય સિંહે કહ્યુ કે, ભાજપનો નવો ફોર્મ્યુલા ‘હિંદુ લૂંટા જાયેગા, મુસલમાન લૂંટા જાયેગા’. હિંદુ-હિંદુ રાગ ગાનારા ભાજપીઓ હવે જરા આ આંકડાઓ પણ બતાવી દો કે યસ બેન્કમાં કેટલા હિંદુ લૂંટાયા છે, કેટલાક મુસ્લિમો લૂંટાયા છે. સંજય સિંહે કહ્યું કે, ભાજપ જે પણ કરે છે મોટું કરે છે, તમે લોકો જાગી જાઓ, સાવધાન થઇ જાવ, હજુ પણ સમય છે. હજુ ફક્ત ચાર બેન્ક ડૂબી છે, આ બેન્કો ડૂબવાનું ત્યાં સુધી ચાલું રહેશે જ્યાં સુધી તમારા રૂપિયા વસૂલી લેવામાં નહી આવે.