Arvind Kejriwal On BJP: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ભગવાન શ્રીકૃષ્ણ જેવી છે. આમ આદમી પાર્ટી ભગવાન શ્રીકૃષ્ણની જેમ રાક્ષસોનો વધ કરી રહી છે. દેશે પ્રથમવાર ઇમાનદાર પાર્ટી જોઇ છે. ગુજરાત સરકાર પર દેવું છે. ભાજપે આપને કચડવાનો પ્લાન કર્યો છે. અમારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. આપના ધારાસભ્યો પર 169 કેસ કરવામાં આવ્યા છે. મોહલ્લા ક્લિનિકની દુનિયાભરમાં ચર્ચા છે.
કાર્યકરોને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેઓ નથી જાણતા કે અમારા નેતાઓ કટ્ટર પ્રમાણિક છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપે પહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી અને પછી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પાછળ પડી ગયા. મનીષના ઘરેથી કંઈ મળ્યું નહોતું, ત્યારપછી સીબીઆઈ અને ઈડીના લોકો ગયા, ત્યાં તેમને કંઈ ન મળ્યું. હવે તેઓ પ્લાન કરી રહ્યા છે કે તેઓ 5-7 લોકો પર દરોડા પાડશે અને બાદમાં કહે છે કે મનીષ સિસોદિયાના સાથીદારને અહીંથી બધું મળી ગયું છે.
અમાનતુલ્લાની ધરપકડ પર CMએ શું કહ્યું?
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો ઉલ્લેખ કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોઈ પણ ભ્રષ્ટાચારી વ્યક્તિ સવારે વહેલા ઉઠીને શાળાઓમાં નથી જતો. કેજરીવાલે અમાનતુલ્લા ખાનની ધરપકડ પર પણ વાત કરી હતી. સીએમએ કહ્યું કે અમારા ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને કોઇ પણ કારણ વિના પકડી લેવામાં આવ્યા છે.
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. તેમણે કહ્યું કે તેમણે અમારા ધારાસભ્યોને 20-20 કરોડ રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક પણ ધારાસભ્ય તૂટ્યો નહીં. કેજરીવાલે કહ્યું કે દિલ્હી પછી પંજાબ ગયા અને ત્યાંના ધારાસભ્યોને 25 કરોડ રૂપિયા આપવાની વાત કરી, પરંતુ ત્યાં એક પણ ધારાસભ્ય તૂટ્યો નહીં.
તેમણે કહ્યું કે ગઈકાલથી ધારાસભ્યોને ફોન આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તમારી પણ અમાનતુલ્લા ખાન જેવી જ હાલત હશે. CBI અને EDને પણ તમારી પાછળ લગાવીશું. કેજરીવાલે કહ્યું કે દરેક વ્યક્તિ આગામી કેટલાક મહિનાઓ સુધી જેલમાં જવા માટે તૈયાર રહે.