Mohali Viral Video News: દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓના વાંધાજનક વીડિયો વાયરલ કરવા મામલે ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી છે. મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં નહાતી વખતે કેટલીક વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યો હતો. શિમલામાં બેઠેલા એક વ્યક્તિએ આ વીડિયો ઈન્ટરનેટ પર અપલોડ કરતા સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.






આ બાબતે સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે ચંદીગઢ યુનિવર્સિટીમાં એક છોકરીએ ઘણી વિદ્યાર્થિનીઓનો વાંધાજનક વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો છે. આ ખૂબ જ ગંભીર અને શરમજનક છે. આમાં સામેલ તમામ ગુનેગારોને કડકમાં કડક સજા મળશે. પીડિત દીકરીઓ હિંમત રાખો. અમે બધા તમારી સાથે છીએ. બધા ધીરજથી કામ લે.


ઉલ્લેખનીય છે કે હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ શિમલામાં બેઠેલા મિત્ર દ્વારા અન્ય વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.






વિદ્યાર્થીનીઓએ જોરદાર વિરોધ કર્યો હતો


આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીઓને થતાં જ યુનિવર્સિટીમાં હોબાળો મચી ગયો હતો. યુવતીઓએ વિરોધ કર્યો હતો. તેઓએ 'અમને ન્યાય જોઈએ છે'ના નારા લગાવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, હોસ્ટેલમાં રહેતી આઠ વિદ્યાર્થીનીઓએ ઈન્ટરનેટ પર તેમનો વીડિયો જોઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેઓને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


કોલેજ મેનેજમેન્ટ વિદ્યાર્થિનીઓ પર આ મામલાની ફરિયાદ પોલીસમાં ન નોંધાવવા માટે દબાણ કરી રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે આ બાબતે અગાઉ પણ ઘણી વખત યુનિવર્સિટી પ્રશાસનને જાણ કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભારે હોબાળા દરમિયાન પોલીસે વિદ્યાર્થીનીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.