નવી દિલ્હીઃ શૈક્ષણિક વર્ષ 2022માં CBSE તથા CICSE, ISC બોર્ડ ટર્મ 1 પરીક્ષાઓ હાઇબ્રિડ મોડમાં કરાવવાની માંગ કરતી વિદ્યાર્થીઓની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ટર્મ 1 બોર્ડ પરીક્ષાઓ હવે ઓફલાઇન જ આયોજીત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાઓનો વિકલ્પ મળશે નહીં.
સીનિયર એડવોકેટ સંજય હેગડેએ કોર્ટમાં કહ્યું કે મહામારી હજુ ખત્મ થઇ નથી અને એમ કહેવું વહેલું ગણાશે કે પરીક્ષાઓ ઓફલાઇન યોજાશે. બાળકો વચ્ચે વાયરસ ફેલાઇ શકે છે. તેનાથી 14 લાખ બાળકો પ્રભાવિત થઇ શકે છે અને અરજીકર્તાઓ એમ ઇચ્છે છે કે હાલમાં હાઇબ્રિડ મોડ ચાલુ રાખવામાં આવે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહયું કે, છેલ્લા વર્ષે હાઇબ્રિડ પરીક્ષા યોજાઇ નહોતી. ધોરણ 10ના 14 લાખ અને ધોરણ 12માં 20 લાખ વિદ્યાર્થી છે. પરીક્ષાઓ અગાઉથી જ 16 નવેમ્બર 2021થી શરૂ થઇ ચૂકી છે જેની નોટિસ ઓક્ટોબરમાં જાહેર કરાઇ હતી. કોવિડની ચિંતાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
તેમણે દલીલ કરી હતી કે અગાઉ 40 વિદ્યાર્થી ક્લાસરૂમમાં બેસતા હતા પરંતુ હવે ક્લાસરૂમમાં ફક્ત 12 વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે જેથી ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન થઇ શકે. તે સિવાય પરીક્ષા કેન્દ્રોને વધારીને 15000 કરવામાં આવ્યા છે. સાથે જ ત્રણ કલાકનો પરીક્ષાનો સમય ઘટાડીને 90 મિનિટનો કરી દેવામાં આવ્યો છે. સાથે તેમણે કહ્યું કે પરીક્ષાની પ્રક્રિયામાં અડચણ પેદા કર્યા વિના સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેના પર એડવોકેટ હેગડેએ કહ્યું કે આ 34 લાખ વિદ્યાર્થીઓનો સવાલ નથી. વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના માતા પિતા પણ આવે છે. ભાષા, ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના પેપર્સમાં ભીડ હોય છે. એવામાં વિદ્યાર્થીઓને હાઇબ્રિડ મોડલનો લાભ ઉઠાવવાની તક આપવી જોઇએ. જેના પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે 15000 પરીક્ષા કેન્દ્ર છે અને પરીક્ષા ઓફલાઇન ચાલી રહી છે. હવે તેને ઓનલાઇન કેવી રીતે કરી શકાય છે. કોર્ટે માન્યું કે અંતિમ સમયમાં વિદ્યાર્થીઓને આશા આપવી તેમને નિરાશ કરવા જેવું ગણાશે. શિક્ષણ પ્રક્રિયા સાથે છેડછાડ ગણાશે. પરીક્ષાઓ 16 નવેમ્બરથી ચાલી રહી છે તો તેમાં હસ્તક્ષેપ કરવો એટલે આખી પ્રક્રિયામાં અડચણ પેદા કરવી તેવું ગણાશે.