નવી દિલ્લી: પાકિસ્તાન તરફથી છેલ્લા 40 કલાકમાં 7 વખત સરહદ પર યુદ્ધ વિરામનો ભંગ કરી ચૂક્યું છે. જમ્મુ અને રાજૌરી જિલ્લામાં સ્થિત ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવીને પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.


જમ્મુના પલ્લાંવાલા સેક્ટરમા અનેક જગ્યાઓ પર પાકિસ્તાની સેના દ્વારા ભારે ફાયરીંગ કરાઈ રહ્યું છે. પાક સેના બોર્ડર પાસે આવેલા ગામોને પણ નિશાન બનાવી રહી છે. જેને કારણે બોર્ડર પાસે આવેલા અનેક ગામોને ખાલી કરાવવાની સૂચના અપાઈ છે. જોકે ભારતીય સેનાએ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ફાયરીંગનો જડબાતોડ જવાબ આપ્યો છે.

મંગળવાર સવારથી સીઝફાયર ભંગની ઘટનાઓ બની રહી છે. સવારે 5 વાગ્યાથી પાકિસ્તાન તરફથી નૌસેરા સેક્ટરના કલસિયા ગામમા ફાયરીંગ કરાયું. તો દીવસ ચઢતા ગોળીબારની ઘટના વધતી ગઈ હતી. તો જમ્મૂ કશ્મીરના શાહપુર વિસ્તારના ગામોમાં પણ અંધાધૂધ ફાયરીંગ અને મોર્ટાર શેલ છોડાઈ રહ્યા હતા.

આ તમામ વચ્ચે એવી પણ માહિતી મળી છે કે લશ્કર જમ્મૂ કશ્મીરની રાજધાની શ્રીનગરમાં આત્મઘાતી હુમલો કરાવી શકે છે. જેને કારણે શ્રીનગરમાં અલર્ટ જાહેર કરાયું છે. અને કડક ચેકીંગ શરૂ કરાયું છે.

28 સપ્ટેંબરની રાત્રે ભારતે પીઓકેમાં ઘૂસીને આતંકી કેંપોને નિશાન બનાવ્યા હતા. જેમાં 40 ઉપરાંત આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યાર બાદથી ભારતીય બોર્ડર પર સીસફાયર ભંગની ઘટનાઓ સતત વધી છે.