ભારતમાં કોરોના રસી લગાવવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સને રસી આપવાનું ચાલુ છે. જ્યારે હવે સરકારે કહ્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાનું કામ શરૂ થઈ જશે.

સ્વસ્થ્ય મંત્રાલય અનુસાર, ફેબ્રુઆરીના મહિનાની શરૂઆતથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાનું કામ શરૂ થઈ જશે. શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેની જાણકારી આપવામાં આવી છે. જણાવીએ કે, સરકારે કોવેક્સીન અને કોવિશિલ્ડ બન્ને રસીને મંજૂરી આપી છે.

ટૂંકમાં જ શરૂ થશે ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાની પ્રક્રિયા

એડિશનલ હેલ્થ સેક્રેટરી મોનહર અગનાનીએ કહ્યું કે, ‘અમે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ મામલે વાતચીત કરી લીધી છે. અમે તેમને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસી લગાવવાની પ્રક્રિયા શરૂ કરવાની સલાહ આપી છે. અમે તેમને કહ્યું છે કે, ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થ વર્કર્સ બન્નેને એક સાથે રસી આપવાનું કામ કરવું.’

44 લાખથી વધારે લોકોને અપાઈ રસી

મંત્રાલયે કહ્યું કે, શુક્રવારે સાંજે સાત કલાક સુધીમાં 44 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. જોકે હજુ સુધી રસી આપવામાં આવેલ લોકોનો છેલ્લો રિપોર્ટ બનવાવાનો બાકી છે. મંત્રાલયે કહ્યું કે, રસીકરણ અભઇયાનના 14માં દિવસ સાંજે સાત કલાક સુધીમાં રસીકરણ બાદ સાઈડ ઇફેક્ટ થઈ હોય તેવી 213 સૂચના મળી છે.

રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી જે લોકોને રસી આપવામાં આવે છે તેમાં આંધ્ર પ્રદેશમાં 1,77,856, બિહારમાં 1,10,381, કેરળમાં 1,35,832, કર્ણાટકમાં 3,07,752, મધ્ય પ્રદેશમાં 2,22,193, મહારાષ્ટ્રમાં 2,57,173, તમિલનાડુમાં 97,126, દિલ્હામાં 48,008, ગુજરાતમાં 2,16,004, ઉત્તર પ્રદેશમાં 4,31,879 અને પશ્ચિમ બંગાળમાં 2,20,356 લોકો છે.