Central Government Reply In Supreme Court On CBI: કેન્દ્ર સરકારે ગુરુવારે (9 નવેમ્બર) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અંગે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સીબીઆઈ એક સ્વતંત્ર કાનૂની સંસ્થા છે અને તેના પર અમારું કોઈ નિયંત્રણ નથી. પોતાના જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને બંગાળ સરકારની અરજીને ફગાવી દેવા વિનંતી કરી હતી. પશ્વિમ બંગાળ સરકારે સીબીઆઈ પર એફઆઈઆર નોંધવા અને રાજ્યની મંજૂરી વિના તપાસ શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો.
"રાજ્યની મંજૂરી વિના એફઆઈઆર નોંધીને સીબીઆઈ તપાસ કરી રહી છે."
પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે રાજ્યમાં 12 કેસોની સુનાવણીમાંથી સીબીઆઈને હટાવવામાં આવવી જોઇએ. રાજ્યએ કહ્યું છે કે રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવતા કોઈપણ કેસની તપાસ માટે રાજ્યની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે. તેમ છતાં સીબીઆઇ FIR નોંધીને તપાસ કરી રહી છે. તેના પર કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે સીબીઆઈ એક સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે અને તેના પર તેનું કોઈ નિયંત્રણ નથી.
બંગાળ સરકારે બંધારણની કલમ 131 હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ મામલામાં કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ બીઆર ગવઈ અને અરવિંદ કુમારની ખંડપીઠને કહ્યું હતું કે બંગાળ સરકારની અરજી સુનાવણી યોગ્ય નથી કારણ કે કલમ 131 હેઠળ સીબીઆઈ વિરુદ્ધ કેસ દાખલ કરી શકાય નહીં.
હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ તપાસ કરી રહી છે
મહેતાએ કહ્યું કે આ કેસમાં ઉલ્લેખિત 12 કેસ સીબીઆઈ દ્વારા કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર નોંધવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે “આ તથ્યો કેસમાંથી સંપૂર્ણપણે ગાયબ છે. આ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કારણ કે હકીકતો દબાવવામાં આવી છે. તેમણે કહ્યું કે કલકત્તા હાઈકોર્ટના આદેશ પર એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે રાજ્ય સરકારે તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓને આપવામાં આવેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધા પછી સીબીઆઈ દ્વારા કોઈ તપાસ થઈ શકે નહીં. સિબ્બલે કહ્યું, “સીબીઆઈ જ નહી પરંતુ અન્ય કોઇ પણ એફઆઈઆર દાખલ કરી શકે નહીં. આ બંધારણીય મુદ્દો છે. તેમણે કહ્યું કે સહમતિ પાછી ખેંચી લેવામાં આવ્યા પછી પણ ઘણી એફઆઈઆર નોંધવામાં આવી હતી જેથી રાજ્ય સરકારે કોર્ટમાં આવવું પડ્યું હતું. આ કેસની આગામી સુનાવણી 23 નવેમ્બરના રોજ યોજાશે.
નોંધનીય છે કે 16 નવેમ્બર, 2018ના રોજ પશ્ચિમ બંગાળ સરકારે સીબીઆઈને રાજ્યમાં તપાસ અને દરોડા પાડવા માટે આપવામાં આવેલી 'સામાન્ય મંજૂરી' પાછી ખેંચી લીધી હતી. CBI રાજ્યમાં ચિટ ફંડ, કોલસાની ચોરી, રાશન વિતરણ ભ્રષ્ટાચાર અને નિમણૂક ભ્રષ્ટાચાર સંબંધિત ઘણા કેસોની તપાસ કરી રહી છે.