નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ભારતીય સેનામાં ઓફિસર રેન્કના અધિકારીઓને એક મોટો ઝટકો આપ્યો છે. જૂનયિર કમીશન્ડ અધિકારીઓ(જેસીઓ) સહિત સશસ્ત્ર દળના લગભગ એક લાખ જવાનો માટે ઉચ્ચસ્તરીય સૈન્ય સેવા વેતન(એમએસપી)ના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જેમાં ઓફિસર રેન્કના અધિકારીઓના વેતન વધારવાની માંગ કરવામાં આવી હતી.



સેનાના સૂત્રોએ જણાવ્યું કે, નાણા મંત્રાલયના આ નિર્ણયથી સેનામાં રોષ છે અને તેઓ તેની સમીક્ષાની માંગ કરશે. 87,646 જેસીઓ અને નૌસેના અને વાયુસેનાના 25,434 જવાનો સહિત સશસ્ત્ર દળોના એક લાખ જવાનો આ નિર્ણયથી પ્રભાવિત થશે. સેનાની વિશિષ્ટ સેવા સ્થિતિઓ અને તેમની મુશ્કેલીને જોતાં સશસ્ત્ર દળો માટે એમએસપીની શરૂઆત કરવામાં આવી હતી.



જેસીઓ અને નેવી તથા વાયુસેનાના સમકક્ષ રેન્ક માટે ઉચ્ચસ્તર એમએસપીના પ્રસ્તાવને નાણાંમંત્રાલયે નકારી દીધો છે. હજું એમએસપીની બે શ્રેણીઓ છે. એક અધિકારીઓ માટે અને બીજો જેસીઓ તથા જવાનો માટે.




સાતમાં પગાર પંચે જેસીઓ અને જવાનો માટે માસિક એમએસપી 5,200 રૂપિયા નક્કી કર્યા હતા જ્યારે લેફ્ટિનેન્ટ રેન્ક અને બ્રિગેડિયર રેન્કની વચ્ચેના અધિકારીઓ માટે એમએસપી તરીકે 15,500 રૂપિયા નક્કી કર્યા હતા. સેના જેસીઓ માટે એમએસપીની માંગ કરતી રહી છે.



એમએસપીની શરૂઆત પહેલીવાર છઠ્ઠા પગાર પંચે કરી હતી. યૂરોપીય દેશોમાં સશસ્ત્ર દળોના જવાનો માટે એમએસપીની અવધારણા ઘણી પ્રચલિત છે. સશસ્ત્ર દળ જેસીઓ અને તેની સમકક્ષ રેન્ક માટે એમએસપીની અલગ વેતન નક્કી કરવાની માંગ કરી રહ્યા હતા.