નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ નામોની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટના નવા જસ્ટિસ સોમવારે સવારે શપથ લેશે. શપથ સમારોહ સુપ્રીમ કોર્ટના પરિસરમાં બનેલા ઓડિટોરિયમમાં યોજાશે.






વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી 27 જજ છે. પાંચ નવા જજો મળતાની સાથે આ સંખ્યા 32 થઈ જશે. આગામી સપ્તાહમાં કેન્દ્ર સરકાર વધુ બે ન્યાયાધીશોના નામની ભલામણને મંજૂરી આપશે તેવી અપેક્ષા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા પણ આ બે નામોની ભલામણ કરવામાં આવી છે. એકવાર તે નિમણૂંકો મંજૂર થયા પછી સુપ્રીમ કોર્ટ ફરીથી સંપૂર્ણ ક્ષમતા પર હશે. જો કે આ વર્ષે સરેરાશ દર દોઢ મહિને એક જજ નિવૃત્ત થાય છે. એટલે કે આ વર્ષે કુલ 9 જજ 65 વર્ષના થશે અને તેમની નિવૃત્તિ આ વર્ષે નક્કી છે.






કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ માટે મંજૂર કરાયેલા પાંચ નવા જજોમાં રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિથલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીવી સંજય કુમાર, પટના હાઈકોર્ટના જજ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જજ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. 






ત્રણ રાજ્યમાં એક્ટિંગ ચીફ જસ્ટિસની કરાઇ નિમણૂક


ત્રણ હાઈકોર્ટમાં કામ કરતા સૌથી વરિષ્ઠ જજને એક્ટિંગ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે જસ્ટિસ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવને રાજસ્થાન હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ, જસ્ટિસ ચક્રધારી શરણસિંહને પટના હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ, અને જસ્ટિસ એમવી મુરલીધરનની મણિપુર હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.