નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સૈન્ય અધિકારીના પરિવારજનોને મળનારી રહેમરાહે ચુકવણીમાં વધારો કર્યો છે. સરકારે શુક્રવારે કહ્યું કે, સૈન્યકર્મિઓના પરિવારજનોને મળનારી રહેમરાહે ચૂકવણીમાં વધારો કરવામાં આવ્યો છે. લોકસભામાં એક લેખીત જવાબમાં ડિફેન્સ રાજ્ય પ્રધાન સુભાષ ભામરે જણાવ્યું કે જો આતંકવાદી હુમલામાં કોઈ જવાનનું મોત થાય તો એક જાન્યુઆરી 2016થી પરિવારજનોને 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આ પહેલા આ રકમ 10 લાખ રૂપિયા હતી. તેવી જ રીતે યુદ્ધ, સરહદ પર ગોળીબારી અથવા આતંકવાદી, ઉગ્રવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી દરમિયાન મોત થવા પર મળનારી રકમ 15 લાખ રૂપિયાથી વધારીને 35 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. અધિકારીઓ માટે આર્મી ગ્રુપ ઇન્શ્યોરન્સ ફંડ વધારીને 60થી 75 લાખ રૂપિયા અને જેસીઓ અને અન્ય રેન્કના જવાનો માટે 30થી 37.5 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. આ નિયમ 1 ઓક્ટોબર 2016થી લાગુ થશે.
સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સરહદ પર અશાંતિને કારણે ઘણાં જવાન શહીદ થયા છે. પરિવારને મળનારી વળતરની રકમમાં પ્રથમ વખત ફેરફાર 1998માં અટલ બિહારી વાજપેયી સરકારના સમયમાં થયો હતો. હવે બીજો ફેરફાર 18 વર્ષ બાદ થયો છે. સરકારના આ નિર્ણયથી સિયાચિન ગ્લેશિયલમાં શહીદ થયેલ હનુમનથપ્પાને પણ મળશે. હનુમનથપ્પા આ જ વર્ષે મેમાં શહીદ થઈ ગયા હતા. આ પહેલા ભારતીય સેનાના પૂર્વ સૈનિકોને મૂળ પેન્શન ડિસેમ્બર, 2015ની તુલનામાં 2.57 ગણું વધારવામાં આવ્યું હતું. ડિફેન્સ મિનિસ્ટ્રીના સૂત્રો અનુસાર વળતર વધારવાનો પરિપત્ર થોડા જ સમયમાં જારી કરવામાં આવશે. વળતરની રકમ પાંચ તબક્કામાં વધારવામાં આવી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, વધારવામાં આવેલ રકમ સરકારના વેલફેર ફંડમાંથી આપવામાં આવશે. આ વીમા અને અન્ય લાભ ઉપરાંતની છે.