કાશ્મીરમાં 10 હજાર જવાનો મોકલવાનો કેન્દ્રનો આદેશ, મુફ્તીએ કહ્યું- લોકોના મનમાં ડર પેદા થશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jul 2019 05:18 PM (IST)
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં અગાઉથી જ મોટી સંખ્યામાં સુરક્ષોદળો તૈનાત છે. એવા સમયે મોટી સંખ્યામાં જવાનોને મોકલવામાં આવી રહ્યાં છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની સંભાવના છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કાશ્મીરમાં 10 હજાર સુરક્ષાદળોને મોકલવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદ વિરોધી અભિયાન અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણય પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મેહબુબા મુફ્તીએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે તેનાથી લોકોમાં ભયનો માહોલ પેદા થઈ રહ્યો છે. મુફ્તીએ કહ્યું કે “ઘાટીમાં વધારાના 10 હજાર જવાનો તૈનાત કરાવીને કેન્દ્રના નિર્ણયથી લોકોના મનમાં ભય ફેલાઈ રહ્યો છે. કાશ્મીરમાં સુરક્ષા દળોની કોઈ કમી નથી. જમ્મુ-કાશ્મીરની સમસ્યા રાજકીય છે જેને સેન્ય દ્વારા ઉકેલી શકાઈ નહીં. ભારત સરકારે ફરી વિચાર કરી પોતાની નીતિ બદલવાની જરૂર છે.” કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી 20 જુલાઈએ જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળ(સીપીએફ)ની 100 કંપનીઓ તાત્કાલિક કાશ્મીરમાં મોકલામાં આવે. એક સીપીએફી કંપનીમાં 100 જવાનો હોય છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, સીઆરપીએફની 50, એસએસબીની 30, આઈટીબીપી અને બીએસએફની 10-10 કંપનીઓને એર લિફ્ટ સાથે સાથે ટ્રેનથી મોકલામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં અગાઉથી જ મોટી સંખ્યામાં સુરક્ષોદળો તૈનાત છે. એવા સમયે મોટી સંખ્યામાં જવાનોને મોકલવામાં આવી રહ્યાં છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની સંભાવના છે.