Petrol Diesel Price Hike: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોનાને લઇને મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. દરમિયાન તેમણે પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઇને બિન ભાજપ શાસિત રાજ્યોને કહ્યું હતું તે તેઓ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કરે. વડાપ્રધાન મોદીના નિવેદન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તમામ રાજ્યો પ્રત્યે એક જેવું વર્તન રાખવું જોઇએ.




ઠાકરેએ કહ્યું કે સૌથી વધુ ટેક્સ આપનાર રાજ્ય મહારાષ્ટ્ર છે. પરંતુ આર્થિક મોરચા પર મહારાષ્ટ્ર સાથે કેન્દ્ર સરકાર ભેદભાવ કરી રહી છે. જીએસટીની 26500 કરોડ રૂપિયાની રકમ હજુ સુધી કેન્દ્ર સરકાર પાસેથી મળી નથી. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો પ્રત્યે એક સમાન વર્તન કરવું જોઇએ.


મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં એક લીટર ડીઝલ પર 24 રૂપિયા 38 પૈસા કેન્દ્રના ટેક્સ અને 22 રૂપિયા 37 પૈસા રાજ્યનો ટેક્સ હોય છે. જ્યારે પેટ્રોલ પર 31 રૂપિયા 58 પૈસા કેન્દ્ર સરકારનો ટેક્સ અને 32 રૂપિયા 55 પૈસા રાજ્ય સરકારનો ટેક્સ હોય છે. આ કારણે એમ કહેવું ખોટું ગણાશે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાજ્યના કારણે વધારો થયો છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતની અર્થવ્યવસ્થાની મજબૂતી માટે આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો તાલમેલ અને સુસંગતતા પહેલા કરતાં વધુ જરૂરી છે.


વડાપ્રધાને સામાન્ય જનતા પર પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો બોજ ઓછો કરવા માટે ગયા વર્ષે નવેમ્બરમાં આયાત ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે તે સમયે તેમણે તમામ રાજ્યોને વેટ ઘટાડવા માટે વિનંતી કરી હતી.


તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોએ તેમના ટેક્સમાં ઘટાડો કર્યો હતો પરંતુ કેટલાક રાજ્યોએ તેમના લોકોને તેનો લાભ આપ્યો નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ, તમિલનાડુએ કોઈને કોઈ કારણસર કેન્દ્ર સરકારની વાત સાંભળી નથી અને તે રાજ્યોના નાગરિકો પર બોજ રહ્યો છે. તેમણે કહ્યું, હું પ્રાર્થના કરું છું કે નવેમ્બરમાં જે કરવાનું હતું તે હવે વેટ ઘટાડીને તમે નાગરિકોને તેનો લાભ આપો.