Maharashtra Political Crisis:  મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસૈનિકો બળવાખોર ધારાસભ્યો સામે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે બળવાખોરોએ મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની અને પરિવારની સુરક્ષાની માંગ કરી હતી. હવે આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર શિંદે જૂથના 16 ધારાસભ્યોના ઘરે સુરક્ષા પુરી પાડશે.






શિંદે જૂથની અપીલ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. 25 જૂને એકનાથ શિંદેના જૂથે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યપાલને પત્ર લખ્યો હતો. જેમાં તેમના પરિવારોને સુરક્ષા પુરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.  ત્યારબાદ તેઓને Y+ કેટેગરીની સિક્યોરિટી આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. આજે સાંજ સુધીમાં તમામ ધારાસભ્યોના ઘરે CRPF જવાનો તૈનાત કરી દેવામાં આવશે. આ ધારાસભ્યોને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.


મહારાષ્ટ્ર સરકાર પાસે પણ સુરક્ષા માંગવામાં આવી 


કેન્દ્ર સરકાર પહેલા એકનાથ શિંદે જૂથે પણ મહારાષ્ટ્ર સરકાર પાસે તેમના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી હતી. જો કે, તેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્યોની સુરક્ષામાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. આ સાથે જે ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી છે ત્યાં પોલીસ ફોર્સ તૈનાત કરવાની સૂચના પણ આપવામાં આવી છે. દરમિયાન અપક્ષ સાંસદ નવનીત રાણાએ પણ બળવાખોર ધારાસભ્યોના પરિવારજનો માટે સુરક્ષાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે વર્તમાન સંજોગોમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. જો કે હવે સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવામાં આવી રહી છે.


 ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે અને શિવસેનાના તમામ બળવાખોર ધારાસભ્યો છેલ્લા એક સપ્તાહથી આસામના ગુવાહાટીમાં એક હોટલમાં રોકાયા છે. તમામ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો છે. આ બળવાખોરોને સમજાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી.  બાદમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી નિવાસસ્થાન છોડી દીધું હતું.  હવે શિવસેના દ્વારા બળવાખોરો સામે કાર્યવાહી કરવાનું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ શિંદે જૂથ પણ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે.