Corruption Report of India: ભ્રષ્ટાચાર અંગેનો નવો સત્તાવાર અહેવાલ રજૂ કરતાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે વર્ષ 2022ના પ્રથમ આઠ મહિનામાં સરકારને ભ્રષ્ટાચાર સંબંધિત 46 હજારથી વધુ જાહેર ફરિયાદો મળી છે. જેમાંથી સૌથી વધુ ફરિયાદો ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ (DFS) સામે હતી.
કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ, નાણાકીય સેવાઓ વિભાગ (બેંકિંગ ડિવિઝન)ને ભ્રષ્ટાચારની કેટેગરીમાં સૌથી વધુ 14 હજાર 934 ફરિયાદો મળી છે. જ્યારે નાણાકીય સેવાઓ વિભાગ (વીમા વિભાગ) આ મામલે બીજા ક્રમે છે અને તેને આ વર્ષે અત્યાર સુધીમાં 3 હજાર 306 ફરિયાદો મળી છે. રિપોર્ટ અનુસાર, ભ્રષ્ટાચાર વિરોધી કેસો માટે નોડલ ઓથોરિટી, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા આવી 2,223 ફરિયાદો મળી હતી.
કેન્દ્ર સરકારને કેવી રીતે ફરિયાદો મળે છે
ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) દ્વારા પ્રાપ્ત થાય છે. CPGRAMS એ એક ઓનલાઈન પોર્ટલ છે જેની મારફતે નાગરિકો સરકારી વિભાગો સામે ફરિયાદો નોંધાવી શકે છે. ઓગસ્ટ-2022 માટે જાહેર કરાયેલા CPGRAMS રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની કેટેગરી હેઠળ 46 હજાર 627 જાહેર ફરિયાદો મળી છે.
નોંધનીય છે કે “CPGRAMS પર જાહેર ફરિયાદોના નિરાકરણ માટેની સમય મર્યાદા 45 દિવસથી ઘટાડીને 30 દિવસ કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં CPGRAMS પોર્ટલ પર સરેરાશ 19 લાખ ફરિયાદો મળી છે.
અન્ય વિભાગોના આંકડા શું છે?
અહેવાલ મુજબ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને 1 હજાર 831 જાહેર ફરિયાદો મળી છે, જ્યારે ભારતની કેગની કચેરી સામે 1 હજાર 784 અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સામે 1 હજાર 005 જાહેર ફરિયાદો મળી છે.
કેટલી ફરિયાદો ઉકેલવાની બાકી છે?
પડતર ફરિયાદોનું વિશ્લેષણ દર્શાવે છે કે નાણાંકીય સેવા વિભાગ (બેંકિંગ વિભાગ)માં ભ્રષ્ટાચાર શ્રેણીની જાહેર ફરિયાદોની મહત્તમ સંખ્યા 1 હજાર 088 હજુ ઉકેલવાની બાકી છે, જ્યારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં પડતર જાહેર ફરિયાદોની સંખ્યા 260 છે.
1 જાન્યુઆરીથી 25 ઓગસ્ટ 2022 વચ્ચે કુલ 7 લાખ 50 હજાર 822 જાહેર ફરિયાદો મળી હતી, જેમાં ગયા વર્ષની 68 હજાર 528 જાહેર ફરિયાદો પેન્ડિંગ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરીથી 25 ઓગસ્ટ, 2022 વચ્ચે મળેલી 7 લાખ 50 હજાર 822 જાહેર ફરિયાદોમાંથી 7 લાખ 27 હજાર 673નો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 91 હજાર 677 પેન્ડિંગ છે.
રિપોર્ટ અનુસાર, કુલ પેન્ડિંગ જાહેર ફરિયાદોમાંથી 2 હજાર 157નો એક વર્ષથી વધુ સમયથી નિકાલ કરવામાં આવ્યો નથી. તેમાં જણાવાયું છે કે 10 હજાર 662 જાહેર ફરિયાદો છ મહિના કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે, 47 હજાર 461 જાહેર ફરિયાદો 30 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ છે અને 44 હજાર 216 જાહેર ફરિયાદો 30 દિવસ કરતાં ઓછા સમયથી પેન્ડિંગ છે.