નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)એ પોતાના 15 અધિકારીઓને ફરજિયાત નિવૃતિ આપી દીધી છે. આ તમામ અધિકારી પ્રિન્સિપલ કમિશનર, કમિશનર, જૂનિયર કમિશનર, એડિશનલ કમિશનર અને સહાયક કમિશનર જેવા મહત્વના પદો પર તૈનાત હતા. સૂત્રોના મતે આ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને અન્ય આરોપો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ અધિકારીઓન ફંડામેન્ટલ રૂલ 56(j) હેઠળ સાર્વજનિક હિતમાં કાર્યમુક્ત કરી દેવામાં આવ્યા છે.


આ મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. આ અગાઉ 26 ઓગસ્ટના રોજ વિભાગે કરપ્શનના આરોપોમાં 22 સીનિયર અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દીધા હતા. છેલ્લા કેટલાક મહિનામાં ટેક્સ અધિકારીઓને ફરજિયાત નિવૃતિ આપી દેવાની આ ચોથી ઘટના છે. એક ટેક્સ અધિકારીએ કહ્યુ કે, આ કાર્યવાહી વડાપ્રધાન મોદીના લાલ કિલ્લા પરથી વ્યક્ત કરાયેલી એ ચિંતા બાદ કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યુ હતું કે, ટેક્સ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ પોતાની શક્તિઓનો દુરુપયોગ કરી કરદાતાઓને હેરાન કર્યા હતા. તેમણે ઇમાનદાર કરદાતાઓને નિશાન બનાવ્યા હશે અથવા તો નાની-નાની ભૂલો અને પ્રક્રિયાગત ખામીઓ પર મોટી કાર્યવાહી કરી હશે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યુ હતું કે,  ટેક્સના મામલામાં ઉત્પીડન કરનારા અને ભ્રષ્ટ અધિકારીઓને સ્વીકાર કરવામાં આવશે નહીં. આ કારણે સરકાર સતત ટેક્સ મામલામાં ફિઝિટકલ અપીયરન્સને ખત્મ કરવાનો પ્રયાસ કરી રહી છે.