બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની વય મર્યાદાને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવા પર વિચાર કરવો જોઈએ. હાઈકોર્ટે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે લોકોની ઉંમર ઓછામાં ઓછી 21 હોવી જોઈએ.


કર્ણાટક હાઈકોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચ કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ટ્વિટ્સને બ્લોક કરવાના કેન્દ્ર સરકારના આદેશને પડકારવાના વિરુદ્ધમાં એક્સ કોર્પ (અગાઉનું ટ્વિટર) ની અપીલની સુનાવણી કરી રહી હતી.  કોર્ટે અગાઉ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા કંપનીની અરજીને ફગાવી દીધી હતી અને આદેશોનું પાલન ન કરવા બદલ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે કેન્દ્ર સરકારના વકીલે કોર્ટને કહ્યું હતું કે કાયદામાં હવે કેટલીક ઓનલાઇન ગેમ સુધી પહોંચતા અગાઉ યુઝર્સ પાસે આધાર અને અન્ય દસ્તાવેજો હોવા જરૂરી છે. ત્યારે કોર્ટે પૂછ્યું કે આ પ્રકારના નિયમોને સોશિયલ મીડિયા પર પણ કેમ લાગુ કરવામાં આવી રહ્યા નથી.                          


જસ્ટિસ જી નરેન્દ્રએ કહ્યું હતું કે  'સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવો. હું તમને કહીશ કે ઘણી સારી વસ્તુઓ થશે. આજના સ્કૂલમાં જતા બાળકોને સોશિયલ મીડિયાની લત લાગી ગઇ છે. મને લાગે છે કે આબકારી નિયમોની જેમ સોશિયલ મીડિયા માટે પણ વય મર્યાદા હોવી જોઈએ.


હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, 'બાળકો 17 કે 18 વર્ષના હોઈ શકે છે, પરંતુ શું તેમનામાં એ નક્કી કરવાની પરિપક્વતા છે કે દેશના હિતમાં શું (સારું) છે અને શું નથી? ના ફક્ત સોશિયલ મીડિયા પર, પરંતુ ઇન્ટરનેટ પર પણ એવી ચીજો હટાવી દેવી જોઇએ જે મનમાં ઝેર ભરે છે. સરકારે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવા પર વિચાર કરવો જોઇએ.


કોર્ટે ‘એક્સ કોર્પ’ પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસની સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે તે એક્સ કોર્પ  દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહત પર બુધવારે નિર્ણય લેશે અને તેની અપીલ પર પછીથી સુનાવણી કરવામાં આવશે.