નવી દિલ્હીઃ રેલવે મંત્રાલય 50 રેલવે સ્ટેશનો અને 150 ટ્રેનોનું ખાનગીકરણ માટે એક કમિટી બનાવી છે. આ કમિટીમાં નીતિ આયોગના સીઇઓ, રેલવે બોર્ડના ચેરમેન, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેયર્સના સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સના સેક્રેટરી અને ફાઇનાન્સિયલ કમિશનર સામેલ છે. આ અગાઉ બુધવારે સમાચાર આવ્યા હતા કે રેલવે 150 ટ્રેનોનું સંચાલન પ્રાઇવેટ કંપનીઓને આપવાની તૈયારીમાં છે. રેલવે મંત્રાલયે આ અંગેનો નિર્ણય લીધો છે.

ખાનગીકરણને લઇને નીતિ આયોગે રેલવે બોર્ડના ચેરમેનને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં 400 રેલવે સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવવાને લઇને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અનેક વર્ષોથી આ વાતો ચાલી રહી છે પરંતુ વાસ્તવમાં એક-બે સ્ટેશનોને છોડીને ક્યાંય પર કામ કરવામાં આવ્યું નથી.

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે રેલવે બોર્ડના ચેરમેનને લખેલા પત્રમાં કહ્યું હતું કે, રેલવે સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવવા અંગેના  કામને લઇને રેલવેમંત્રી સાથે ચર્ચા કરી છે. જેમાં એ વાત સામે આવી છે કે 50 સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવવામાં આવે અને આ કામમાં પ્રાઇવેટ ક્ષેત્રની ભાગીદારી વધારવામાં આવે.

નોંધનીય છે કે નીતિ આયોગના સીઇઓએ તાજેતરમાં જ છ એરપોર્ટના ખાનગીકરણનો અનુભવ અંગે ઉલ્લેખ કરતા કહ્યુ હતું કે, આ પ્રકારનું કામ રેલવે માટે પણ કરવામાં આવી શકે છે. આ આધાર પર તેમણે ટ્રેનોના ખાનગીકરણ માટે એક ઇમ્પાવર્ડ ગ્રુપ ઓફ સેક્રેટરીઝ બનાવવાની ભલામણ કરી હતી.