મુંબઇઃ મુંબઇના આરે જંગલમાં મેટ્રો શેડ માટે વૃક્ષો કાપવાનો મુદ્દો રાજનીતિનો વિષય બની ગયો છે. કોગ્રેસ અને રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંયુક્ત મેનિફેસ્ટો જાહેર કરી ગ્લોબલ  વોર્મિગના મુદ્દાને સામેલ કર્યો છે. વિધાનસભા ચૂંટણી માટે કોગ્રેસ અને એનસીપીએ સોમવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં સ્થાનિક લોકો માટે નોકરીઓમાં 80 ટકા અનામત અને મદરેસાઓને આધુનિક કરવા જેવા મુદ્દા સામેલ છે. આ સાથે બંન્ને પક્ષોએ ગ્લોબલ વોર્મિગના મુદ્દાને પણ પોતાનો ચૂંટણી મુદ્દો બનાવ્યો છે.


નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે લો સ્ટૂડન્ટની અરજી પર સુનાવણી કરતા મહારાષ્ટ્ર સરકારને આરે જંગલમાં વૃક્ષો કાપવા પર તરત જ રોક લગાવી દેવાનો આદેશ આપ્યો છે. અને આગામી સુનાવણી સુધી ત્યાં યથાસ્થિતિ રાખવાનો પણ આદેશ અપાયો હતો. કોર્ટે કહ્યું કે આ મામલામાં જ્યાં સુધી ફોરેસ્ટ એટલે કે એન્વાયરમેન્ટ બેન્ચનો નિર્ણય નહી આવે ત્યાં સુધી આરેમાં યથાસ્થિતિ રાખવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલા પર આગામી સુનાવણી 21 ઓક્ટોબરે કરશે.

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી થશે જેના પરિણામો 24 ઓક્ટોબરના રોજ જાહેર કરાશે.