નવી દિલ્હીઃ પૂર્વોત્તરના રાજ્યોથી ઉગ્રવાદને ખત્મ કરવાના વચન સાથે સત્તામાં આવેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને આ દિશામાં સોમવારે મોટી સફળતા મળી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કેન્દ્ર સરકારે, આસામ સરકાર અને બોડો ઉગ્રવાદીઓના પ્રતિનિધિઓએ આસામ કરાર 2020 પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર સાથે જ લગભગ 50 વર્ષથી ચાલી આવતો બોડોલેન્ડ વિવાદ ખત્મ થઇ ગયો છે જેમાં અત્યાર સુધી 2823 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 27 વર્ષમાં આ ત્રીજી વખત આસામ કરાર થયા છે. સૂત્રોના મતે આ વિવાદને જલદી ખત્મ કરવા માટે મોદી સરકાર લાંબા સમયથી પ્રયાસ કરી રહી હતી અને અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ તેમાં ઝડપ આવી હતી.


આ અવસર પર અમિત શાહે જાહેરાત કરી હતી કે ઉગ્રવાદી જૂથ નેશનલ ડેમોક્રેટિક ફંટ ઓફ બોડોલેન્ડના 1550 કેડર 30 જાન્યુઆરીના રોજ પોતાના 130 હથિયારો સોંપશે અને આત્મસમર્પણ કરશે. શાહે કહ્યુ કે, આ કરાર બાદ હવે આસામ અને બોડોના લોકો સ્વર્ણિમ ભવિષ્ય સુનિશ્વિત કરશે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે, કેન્દ્ર સરકાર બોડો લોકોને કરવામાં આવેલા પોતાના તમામ વચનો સમયબદ્ધ રીતે પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે, આ કરાર બાદ હવે કોઇ અલગ રાજ્ય બનાવવામાં નહી આવે.

લગભગ 50 વર્ષ અગાઉ આસામના બોડો બહુમતિ વિસ્તારમાં અલગ રાજ્ય બનાવવાને લઇને હિંસાત્મક વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ એનડીએફબીએ કર્યું હતું. આ વિરોધ એટલો વધી ગયો હતો કે કેન્દ્ર સરકારે ગેરકાયદેસર ગતિવિધિ 1967 કાયદા હેઠળ એનડીએફબીને ગેરકાયદેસર જાહેર કરી દીધું હતું. બોડો ઉગ્રવાદીઓ પર હિંસા, હત્યાનો આરોપ છે. આ હિંસામાં 2823 લોકોના મોત થયા છે.