ચંદીગઢઃ શહીદ સ્ક્વોડ્રન લીડર સિદ્ધાર્થના પાર્થિવ શરીરને જોઈને દરેક વ્યક્તિની આંખમાંથી આંસૂ નીકળી રહ્યા હતા. બહાદુર દીકરાને ગુમાવ્યાનુ દુઃખ બધાને હતુ, પરંતુ બધા દુઃખી થશે તો પરિવારને કોણ સંભાળશે, આવું જ વિચારીને શહીદ સિદ્ધાર્થની પત્ની આરતીએ પોતાના મને સમજાવી દીધું. તે ખુદ પણ વાયુસેનામાં સ્ક્વોડ્રન લીડર છે.




શહીદ પતિના પાર્થિવ દેહની અર્થીને પત્નીએ કાંધ આપી ત્યારે એ દ્રશ્ય જોઇને હાજર સૌ કોઇની આંખો આંસૂથી છલકાઇ ગઇ હતી. ગત વર્ષે 2018માં કેરળમાં આવેલા ભીષણ પૂરમાં સિદ્ધાર્થે બચાવકાર્ય ખુબ જ ઉત્તમ કાર્ય કર્યુ હતું જેને લઇને તેમની પ્રશંસા પણ થઇ હતી.



શહીદ સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં હજારોની સંખ્યામાં લોકોએ હાજર રહીને અશ્રપુર્ણ આંખો સાથે શ્રદ્ધાજંલિ આપી હતી. અંતિમ સંસ્કારનો ઘાટ માણસોથી ઉભરાઇ ગયો હતો અને ભારત માતાની જય અને સિદ્ધાર્થ અમર રહોના ગગનભેદી જયકાર નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતુ. વાયુસેનાની તરફથી શહીદ સ્ક્વોડ્રન લીડર સિદ્ધાર્થને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. શહીદના સન્માનમાં 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી.



આ પહેલા 27મીએ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ શહીદ સિદ્ધાર્થના પાર્થિવ શરીરને દિલ્હી અને પછી ચંદીગઢ લવાયું હતું. શહીદની પત્ની આરતી વશિષ્ઠ ખુદ પોતાની ઓફિસરનો ડ્રેસ પહેરીને તેના પતિ સિદ્ધાર્થનો પાર્થિવ શરીર લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન વાયુસેનાના અધિકારી પણ આરતીની સાથે હાજર રહ્યા હતા. કાળજા પર પથ્થર મૂકીને પૂરા સાહસ સાથે આરતી પતિના પાર્થિવ શરીરને લઇને તે ઘરે પહોંચી હતી.