બેંગ્લોર: ચંદ્રયાન 2 મિશન દરમિયાન લેન્ડર ‘વિક્રમ’ સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો, જેને લઈને હાલ આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઈસરોના પ્રમુખ કે સિવને કહ્યું કે ચંદ્રયાન મિશન પોતાના લક્ષ્યમાં લગભગ 100 ટકા સફળતાની નજીક છે. આ મિશન નિષ્ફળ નથી રહ્યું. કે સિવને કહ્યું અમે અગાઉથી નક્કી કરેલા અભિયાનોમાં વ્યસ્ત છે અને ચંદ્રયાન-2 બાદ ગગનયાન મિશન પર પૂર્વ નિર્ધારિત સમય સાથે કામ ચાલું રહેશે. તેઓએ કહ્યું આગામી 14 દિવસોમાં વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.


એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સિવને જણાવ્યું કે વિક્રમ લેન્ડરના અંતિમ તબક્કામાં સંપર્ક તૂટી ગયો અને ફરી સંપર્ક સ્થાપિત કરી શકાયો નથી. જો કે આશાના કિરણો હજુ પણ  છે અને આગામી 14 દિવસો સુધી અમે વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ ચાલુ રાખીશું.



ચંદ્રયાન 2 ઓર્બિટર અત્યારે પણ 140 કિમી ઉપર ચંદ્રનો સફળતાપૂર્વક ચક્કર લગાવી રહ્યું છે. ઓર્બિટર ISROને ત્યાંથી વિક્રમ લેન્ડરની તસવીરો મોકલી શકે છે.

ચંદ્રયાન સાથેના ઑર્બિટર અંગે જણાવતા સિવને કહ્યું કે ઑર્બિટરની આયુષ્ય માત્ર એક વર્ષ સુધી નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ઑર્બિટરમાં રહેલા વધારાના ઇંધણના કારણે હવે તેની કામ કરવાની ક્ષમતા 7 વર્ષ સુધી રહેશે.

ચંદ્રયાન-2 અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું પરંતુ ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર ઇસરો સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. ‘વિક્રમ’એ ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઈન બ્રેકિંગ’ ફેઝને સફળતા પૂર્વક પૂરું કરી લીધું, પરંતુ સૉફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક પૃથ્વી પરના સ્ટેશનથી તૂટી ગયો હતો.