પોતાના ડીપ સ્પેસ ગ્રાઉન્ડ સ્ટેશન નેટવર્કના આધારે નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરી (JPL)એ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે વિક્રમને એક રેડિયો ફ્રીક્વેન્સી મોકલી છે. નાસાના સૂત્રોએ આ અંગે પુષ્ટી કરી છે.
સૂત્રોએ આ અંગેની જાણકારી આપતાં કહ્યું કે 'હા નાસા/JPL વિક્રમ સાથે ડીપ સ્પેસ નેટવર્ક (DSN) દ્વારા સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.' જો કે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાની આશા દિવસેને દિવસે ઘટી રહી છે. પૃથ્વીના 14 દિવસ બાદ એટલે કે 20-21 સપ્ટેમ્બરે જ્યારે ચંદ્ર પર રાત થઇ જશે ત્યારબાદ વિક્રમ સાથે ફરી સંપર્ક કરવાની આશા પૂર્ણ થઇ જશે.
બુધવારે ઇસરોએ જણાવ્યું હતું કે લેન્ડર વિક્રમ સાથે ચંદ્રની સપાટી પર 2.1 કીમીની ઉંચાઇ પર નહીં પરંતુ 335 મીટર પર સંપર્ક તૂટી ગયો હતો. ઇસરોના મિશન ઓપરેશન કોમ્પલેક્સથી આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે.
ચંદ્રની સપાટીથી 4.2 કીમીની ઉંચાઇ પર પણ લેન્ડર વિક્રમ નક્કી કરાયેલા પથ પરથી ભટકી ગયું હતું પરંતુ જલ્દી તેને ઠીક કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્યારે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટીની 2.1 કીમી ઉંચાઇ પર પહોંચ્યું ત્યારે તે પોતાનો રસ્તો ભટકી ગયું હતું.