નવી દિલ્હીઃ ચંદ્રયાન-2ની ચંદ્ર પર સફળ લેન્ડિંગની સાથે ભારત અવકાશમાં વધુ એક સફળતા નોંધાવશે. ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ આજે મોડી રાત્રે ચંદ્રની ધરતી પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર છે. આ ઐતિહાસિક લેન્ડિંગ પર ફક્ત ભારતની જ નહી પરંતુ આખી દુનિયાની નજર છે. વડાપ્રધાન મોદી ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના ઐતિહાસિક ક્ષણને જોવા માટે ઇસરોના બેગલુરુ સ્થિત હેડઓફિસમાં હાજર રહેશે.




ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્રની ધરતી પર સફળ લેન્ડિંગ અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું કે આ ક્ષણની 130 કરોડ ભારતીયો રાહ જોઇ રહ્યા છે. હવે કેટલાક કલાકોમાં ચંદ્રયાન-2 ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ભારત અને બાકી દુનિયા આપણા સ્પેસ વૈજ્ઞાનિકોની પ્રગતિના સાક્ષી બનશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકો ચંદ્રયાન-2ની લેન્ડિંગ જોવે અને આ દરમિયાનની પોતાની તસવીર ક્લિક કરી ટ્વિટ કરો. મોદીએ કહ્યું કે, તેઓ આ તસવીરોને રિટ્વિટ કરશે.


મોદીએ કહ્યું કે, હું ભારતના અવકાશ પ્રોગ્રામના ઇતિહાસમાં અસાધારણ ક્ષણના સાક્ષી બનવા માટે બેંગલુરુના ઇસરો કેન્દ્રમાં જવા માટે ઉત્સાહિત છું. આ સાથે વિવિધ રાજ્યોના યુવાઓ પણ ત્યાં હાજર રહેશે. ભૂટાનના યુવાઓ પણ  આવશે.