નવી દિલ્હી: ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન માત્ર 2.1 કિમી ઉંચાઈ પર હતું ત્યારે ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો છે. તેના બાદ ઈસરોના વૈજ્ઞાનિકો હતાશ થઈ ગયા છે. સમગ્ર દેશ અફસોસ વ્યક્ત કરી રહ્યો છે પરંતુ વૈજ્ઞાનિકોના કામની પ્રસંશા કરી રહ્યો છે. ચંદ્રયાન-2 અંગે હજુ પણ જાણકારીની રાહ જોવાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે તેમાં નિરાશ થવા જેવી કોઈ વાત નથી. ઇસરોના વૈજ્ઞાનિકોને સલામ.

વેંકૈયા નાયડૂએ ટ્વીટ કરી કહ્યું કે, “હતાશ થવાની કોઈ જરૂરત નથી, ઈસરોનો માત્ર લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો છે, 1.3 અરબ ભારતીયોની આશા નહીં. ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું કે ઑર્બિટર પોતાના પેલોડ સાથે હજું પણ કામ કરી રહ્યું છે. ”

તેઓએ લખ્યું કે,   “હું ઈસરોના વૈજ્ઞાનિકો, એન્જીનિયરો અને ચંદ્રયાન-2 સાથે જોડાયેલા તમામ લોકોના અંતરિક્ષ શોધમાં નવા મોર્ચા પર વિજય પ્રાપ્ત કરવા માટે કરેલા પ્રયાસોમાં તેમની આકરી મહેનત અને પ્રતિબદ્ધતાને સલામ કરું છું.”


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, ઈસરોનાં વૈજ્ઞાનિકો ઉપર ગર્વ છે. કોવિંદે ટ્વીટ કર્યુ છે કે, ચંદ્રયાન-2 મિશનની સાથે ઈસરોની આખી ટીમે અસાધારણ પ્રતિબદ્ધતા અને સાહસનું પ્રદર્શન કર્યુ છે. દેશને ઈસરો પર ગર્વ છે. તેમણે કહ્યુ કે, અમે બધા સર્વશ્રેષ્ઠની આશા કરીએ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, ભલે આજે અવરોધો આવ્યા હોય પણ તેનાથી આપણો ઉત્સાહ અને હિંમત નબળી પડી નથી પરંતુ તેમાં વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આખો દેશ તમારી સાથે છે અને ગર્વ અનુભવી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવાર-શનિવારની રાત્રે 1.53 વાગ્યે ચંદ્ર પર ઉતરવાનું હતું. લગભગ 1.38 મિનટે લેન્ડરને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરુ થઈ. પરંતુ ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો. ‘વિક્રમ’એ ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઈન બ્રેકિંગ’ ફેઝને સફળતા પૂર્વક પૂરું કરી લીધું, પરંતુ સૉફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક પૃથ્વી પરના સ્ટેશનથી તૂટી ગયો. તેની સાથે જ વૈજ્ઞાનિકો સાથે સાથે દેશોના લોકોના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ.