Chandrayaan 3:  ભારતનું મિશન મૂન સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6 કલાક અને 4 મિનિટે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પણ લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી બહાર આવ્યું.



 






ચંદ્રયાન-3નું લેન્ડર બુધવારે સાંજે 6 વાગ્યેને 4 મિનિટે લેન્ડ થયું હતું. આ પછી, રોવર પણ બે કલાક અને 26 મિનિટ પછી તેમાંથી બહાર આવ્યું. રોવર છ પૈડાવાળો રોબોટ છે. તે ચંદ્રની સપાટી પર ચાલશે. તેના પૈડાં પર અશોક સ્તંભની છાપ છે. જેમ જેમ રોવર ચંદ્રની સપાટી પર આગળ વધશે તેમ તેમ અશોક સ્તંભની છાપ છપાતી જશે. રોવરની મિશન લાઈફ  1 ચંદ્ર દિવસ છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે.


 






ડીકે શિવકુમારે ઈસરોની મુલાકાત લીધી હતી અને અભિનંદન પાઠવ્યા હતા
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ઈસરોની મુલાકાત લીધી હતી અને ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ડીકે શિવકુમારને ચંદ્રયાન પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી અને વૈજ્ઞાનિકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ચંદ્ર પર વિક્રમ લેન્ડરનું સફળતાપૂર્વક ઉતરાણ કરવાની તમારી સિદ્ધિ પ્રશંસનીય છે. તમે ભારતનું ગૌરવ છો. આ પ્રોજેક્ટ માટે સખત મહેનત કરનાર ISROના તમામ વૈજ્ઞાનિકો અને કર્મચારીઓના પ્રયાસો અવિસ્મરણીય છે. તેમની મહેનત માટે ISROને અભિનંદન. 


 




ચંદ્ર પર પહોંચતા જ લેન્ડરના કેમેરામાં કેદ થયો સાઉથ પોલનો નજારો


ભારતના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે (23 ઓગસ્ટ) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. ચંદ્રના આ ભાગમાં પહોંચનાર ભારત પહેલો દેશ બની ગયો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જવા માટે આજ સુધી કોઈ સફળ થયું નથી. વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ ઈસરોએ પહેલો ફોટો શેર કર્યો છે. ISROએ ટ્વીટ કરીને લખ્યું, ચંદ્રયાન-3ના લેન્ડર અને બેંગલુરુ સ્થિત કમાન્ડ સેન્ટર વચ્ચે કોમ્યુનિકેશન લિંક સ્થાપિત થઈ ગઈ છે. નીચે ઉતરતી વખતે આ તસવીરો લેન્ડર હોરીઝોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવામાં આવી છે. આ સફળતા બાદ ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો ચોથો દેશ પણ બની ગયો છે.