નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના દ્વાર ખોલવામાં આવ્યા છે. આ નિર્ણય ઉત્તરાખંડ સરકાર અને દેવસ્થાનમ બોર્ડે લીધો છે. જોકે હાલમાં યાત્રામાં ભીડ એકઠી નહીં થઈ શકે કારણ હાલમાં માત્ર મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ આવી શકશે. નવા નિયમ અનુસાર, બદ્રીનાથમાં 1200, કેદાનરનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 લોકો જ એક દિવસમાં દર્શન કરી શકશે.


દર્શનના સમય વિશે કહેવામાં આવ્યું છે કે, યારધામ યાત્રા પર આવનાર શ્રદ્ધાળુઓ સવારે સાતથી સાંજે સાત સુધી દર્શન કરી શકશે. તેની સાથે જ નવા નિયમ અનુસાર, હાલમાં 30 જૂન સુધી માત્ર સ્થાનીક લોકો જ ચારધામ યાત્રામાં દર્શન કરી શકશે. પ્રવાસીઓએ રહેવાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે. દર્શનમાં લોકોની ભીડ ન થાય, તેના માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. લોકોને ટોકન ફ્રીમાં આપવામાં આવશે.

જોકે દેવસ્થાનમ બોર્ડ અને સરકારના આ નિર્ણયનો સ્થાનીક મંદિર સમિતિના લોકોએ વિરોધ કર્યો છે. મંદિર સમિતિનું કહેવું છે કે, બોર્ડના નિર્ણયને માનવા માટે મંદિર પ્રશાસન બાધ્ય નથી. તેમનું કહેવું છે કે, ચારધામયાત્રામાં પહેલાની જેમ જ પૂજા પાઠ થશે. સમિતિએ એ પણ કહ્યું કે, બહારથી આવનાર શ્રદ્ધાળુઓને પૂજા કરાવા માટે બાધ્ય નથી.

બીજી બાજુ ધાર્મિક સંગઠનના લોક પણ યાત્રા શરૂ કરવાના વિરોધમાં છે. તેમનું કહેવું છે કે, જો ચારધામ યાત્રા શરૂ થશે તો વાયરસ ફેલાઈ શકે છે. કોરોનાથી હાલમાં બચવાની જરૂરત છે. તીર્થ પુરોહિતનું કહેવું છે કે, કોરોના ચેપ ઓછો થાય ત્યારે આવી યાત્રા શરૂ કરવામાં આવે. શરૂઆતના નિયમ અનુસાર ધાર્મિક યાત્રામાં ઘણાં ઓછા લોકો હાજર રહેશે. બાદમાં યાત્રીઓની સંખ્યા ધીમે ધીમે વધારવામાં આવશે.