વિશાખાપટ્ટનમની ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ, એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 May 2020 10:02 AM (IST)
150થી વધારે લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગેસ લીકની બાળકો અને વૃદ્ધો પર સૌથી વધુ અસર થઈ છે.
વિશાખાપટ્ટનમઃ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્તિત એક ફાર્મા કંપનીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે. વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર કંપનીમાં ગેસ લીકેજ બાદ એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. ગેસ લીકેજથી સમગ્ર શહેરમાં તણાવનો માહોલ છે. 150થી વધારે લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગેસ લીકની બાળકો અને વૃદ્ધો પર સૌથી વધુ અસર થઈ છે. તંત્રએ આસપાસના ગામને ખાલી કરાવી દીધા છે. કંપનીના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ગેસ લીકેજની અસર જોવા મળી રહી છે. લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારી લોકોને સુરક્ષિત જગ્યા પર જવાની અપીલ કરી રહ્યા છે. ગેસ લીકેજના કારણ હજુ સુધી જાણી શકાયું નથી.