જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમં આજે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આતંકીઓ સાથે થયેલી અથડામણમાં સુરક્ષાદળે હિજબુલના કમાન્ડર રિયાઝ નાયકૂને ઠાર કર્યો છે. નાયકૂ એક ઘરની નીચે બંકરમાં છૂપાયેલો હતો. સુરક્ષાદળોએ જેસીબી મશીનની મદદથી બંકરને ખોદી અને બાદમાં નાયકૂને ઠાર કર્યો હતો.

આતંકી રિયાઝ નાયકૂ ઘાટીમાં યુવાનોને આતંકી બનવા માટે પ્રેરિત કરતો હતો. તેણે પોતાના પિતાની ધરપકડ બાદ અનેક પોલીસકર્મીઓનું પણ અપહરણ કર્યું હતું અને કેટલાક પોલીસકર્મીઓની હત્યા પણ કરી નાંખી હતી.



જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફ એ જણાવ્યું કે રિયાજ નાયકૂની શોખખોળ માટે છેલ્લા ત્રણ દિવસથી પુલવામામાં સુરક્ષાદળ ઓપરેશન ચલાવી રહ્યા હતાં, સુરક્ષાદળોને જાણકારી મળી હતી કે નાયકુ પોતાની માતાને મળવા માટે ઘરે આવી શકે છે. સુરક્ષાદળોને આ વાતની આશંકા હતા કે નાયકૂ પુલવામામા સુરંગ કે બંકરનો ઉપયોગ કરી રહ્યો છે.

નાયકૂ ઘાટીમાં ત્રણ વર્ષથી હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર હતો અને તે સુરક્ષા દળોની રડાર પર 2016માં આવ્યો હતો. તેના પર 12 લાખનું ઈનામ હતું. નાયકૂ ઘાટીમાં ટોપ10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાનો એક હતો અને A++ કેટેગરીનો આતંકી હતો.

આ પહેલા ગઇકાલે જમ્મુમાંથી સુરક્ષાદળોએ ડોડા જિલ્લામાં એક્ટિવ હિઝબૂલ આતંકીની ધરપકડ કરી હતી. પકડાયેલા આતંકી પાસેથી એક રિવૉલ્વર મળી હતી. માહિતી પ્રમાણે, મંગળવારે સવારે ડોડામાં સેનાએ વિસ્તારના ટટનાના શેખપરામાં એક આતંકી છુપાયેલો હોવાન માહિતી મળી. ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ હતુ.