ચેન્નાઈ: ચેન્નાઈમાં એક વિદ્યાર્થીએ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં મોટો અકસ્માત કર્યો છે. વિદ્યાર્થીએ  પોતાની પોર્શ કારથી રસ્તાની સાઈડમાં ઊભી રહેલી 12 ઓટો રિક્ષાને ટક્કર મારી દીધી હતી. જેમાં એકનું મોત થયું હતું અને ત્રણ ઓટોરિક્ષા ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા હતા. આરોપ છે કે 22 વર્ષીય આરોપી વિકાસ વિજય આનંદ નશામાં હતો. ઘટના સોમવાર વહેલી પરોઢ આશરે 3.30 વાગ્યાની છે.



મળતી જાણકારી મુજબ, ટી. નગરના રહેવાસી વિકાસ પોતાના મિત્ર ચરણ કુમારની સાથે રવિવાર રાત્રે તમિલનાડુ પ્રિમિયર લીગ ફાઈનલ જીતનાર ટૂટી પેટ્રયોટની પાર્ટીમાંથી પરત આવી રહ્યો હતો.

સુપ્રીમ કોર્ટના વકીલનો દીકરો વિકાસ તે સમયે કાર ચલાવી રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે ઘટના સમયે વિકાસ અને ચરણ બંને નશામાં હતા. ડિવાઈડર સાથે ટકરાયા બાદ તેમની કાર સીધી ઓટોમાં ઘૂસી ગઈ હતી.

એક પોલીસ અધિકારના જણાવ્યા મુજબ, સ્ટુડન્ટ ડ્રાઈવિંગ કરતી વખતે નશામાં હતો. આગળની તપાસ ચાલુ છે. અકસ્માત સમયે લક્ઝરી કારની એરબેગ્સ ખુલી જવાના કારણે કાર સવાર બંને લોકોને કંઈ ઈજા થઈ નહોતી.