નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરના ઉરીમાં સેનાના કેંપ પર રવિવારે સવારે થયેલા આતંકી હુમલા બાદ દેશમાં આક્રોશ છે. આ હુમલાનો જવાબ કઈ રીતે આપવો તે માટી ગૃહમંત્રી રાજનાથ સિંહના નિવાસ્થાને હાઈલેવલ મીટિંગ થઈ હતી. બીજી તરફ રક્ષામંત્રી મનોહર પર્રિકરે ઉરી હુમલા માટેની રિપોર્ટ પીએમ મોદીને સોંપી દીધો છે.


ઉરી હુમલા અંગે પીએમ મોદીના આવાસ પર મહત્વની બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં દરેક રણનિતી પર ચર્ચા થઈ હતી. એ વાત પર સહમતિ લેવામાં આવી કે સાચો સમય આવ્યે સાચુ પગલું લેવામાં આવશે.

બેઠકમાં રાજનાથ સિંહ અને મનોહર પર્રિકર, નાણાપ્રધાન અરૂણ જેટલી, એનએસએ ચીફ, સેનાના વડાઓ અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ શામેલ થયા હતા. સેના પ્રમુખ દલબીરસિંહ સુહાગ અને એનએસએ ચીફ અજિત ડોભાલે આ બેઠકમાં કહ્યું કે પાકિસ્તાન જે રીતે આતંકવાદીઓને મોકલી રહ્યું છે તે જોતા ભારતે એક જોરદાર ઓપરેશન કરવું જોઈએ.

થલસેનાના ચીફે કહ્યું કે અમે સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છે. જો અમને નિર્દેશ મળશે તો અમે તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે તૈયાર છે.

સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી સામે તમામ પ્રકારની રણનિતીની વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં જમ્મુ-કશ્મીરમાં આતંકવાદીઓના હાઈડ-આઉટ્સ જાણવા માટે એક ખાસ ઓપરેશન ચલાવવાની જરૂર હોવાની વાત કરવામાં આવી.

સૂત્રોના જણાવ્યા અનુસાર યોગ્ય સમયે સરકાર સાચો નિર્ણય લેશે.