નવી દિલ્હીઃ છત્રસાલ સ્ટેડિયમમાં જુનિયર ગોલ્ડ મેડલિસ્ટ કુસ્તીબાજ સાગર રાણાની હત્યાના કેસમાં ફરાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ સુશીલ કુમારની બે દિવસ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીના મુંદકા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સુશીલની સાથે તેના સાથી અજયની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સુશીલ પર એક લાખ રૂપિયા અને અજય પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ દરમિયાન આજે ભારતીય રેલવે દ્વારા સુશીલ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.


અદાલતે સુશીલ કુમારને પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. આ દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાગર ધનકડ પર કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. તેના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન મળ્યા હતા. માથાથી લઈ ઘૂંટણ સુધી ઈજાના નિશાન હતા. તેના શરીર પર 1 થી 4 સેમી ઉંડા ઘા મળી આવ્યા હતા. છાતી પર 5×2 cm  અને પીઠ પર 15x4 cm ના ઘા હતા.



5 મેના રોજ છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારમાં કુસ્તીબાજોના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. આમાં 5 કુસ્તીબાજો ઘાયલ થયા હતા. જેમાં સાગર (23), સોનુ (37), અમિત કુમાર (27) અને 2 અન્ય રેસલર્સ સામેલ હતા.


 હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાગરનું મોત નીપજ્યું હતું. તે દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલનો પુત્ર હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંપત્તિના વિવાદને લઈને ઝઘડો થયો હતો. સાગર અને તેનો મિત્ર જે ઘરમાં રહેતા હતા, ત્યારે સુશીલ તેને ખાલી કરવા માટે દબાણ કરી રહ્યો હતો.


 પોલીસે ઘટનાસ્થળેથી એક લોડેડ ડબલ બેરલ ગન અને 3 જીવંત કારતુસ ઉપરાંત 5 વાહનો કબજે કર્યા હતા. દિલ્હી પોલીસે કહ્યું કે તેઓ સુશીલ કુમારની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે, કારણ કે તેના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ પછી પોલીસે સુશીલ અને અન્ય આરોપીઓની શોધમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા પણ સફળતા મળી નહોતી.