રાયપુર: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું નિધન થયું છે. 74 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અજિત જોગીને કાર્ડિયક અરેસ્ટ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અજિત જોગી કલેક્ટરની નોકરી છોડી રાજકારણમાં આવ્યા હતા. ઈન્દોરના કલેક્ટર રહેતા તેમની પ્રશાસક છબીને જોતા રાજીવ ગાંધીએ તેમને રાજકારણમાં આવવા ઓફર કરી હતી.

અજિત જોગી છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી હતા. વર્ષ 2000માં તેમણે છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અજિત જોગી મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ થયા બાદ તેઓ નવેમ્બર 2000થી નવેમ્બર 2003 સુધી પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા. અજિત જોગીએ 2016માં કૉંગ્રેસ છોડી પોતાની પાર્ટી જનતા કૉંગ્રેસ છત્તીસગઢની સ્થાપના કરી હતી. અજિત જોગી બે વખત રાજ્યસભા સાંસદ, બે વખત લોકસભા સાંસદ અને એક વખત છત્તીસગઢના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

1986માં અજિત જોગીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ પર અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના સદસ્ય બની રાજકીય સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ કૉંગ્રેસે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા હતા.

1987માં અજિત જોગીને જનરલ સેક્રેટરી, પ્રદેશ કૉંગ્રેસ કમિટી, મધ્યપ્રદેશના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને લોક ઉપક્રમોની સમિતિ,ઉદ્યોગ સમિતિ,રેલવે, અધ્યક્ષ, રાજ્ય અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ (મધ્યપ્રદેશ) સમિતીનો ભાગ બનાવવામાં આવ્યા હતા.

1989માં મણીપુર રાજ્યમાં લોકસભા ચૂંટણી દરમિયાન જોગીને કૉંગ્રેસે કેંદ્રીય પર્યવેક્ષકનું કામ સોપ્યું હતું. જોગીએ મધ્યપ્રદેશના 1500 કિલોમીટરના જનજાતિવાળા વિસ્તારમાં કામ કરી તેમની વચ્ચે જનજાગૃતિ ફેલાવી અને તેમણે કૉંગ્રેસ પાર્ટીના સમર્થનમાં જોડ્યા હતા. 1995માં જોગીએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ પાર્ટી માટે કેંદ્રીય પર્યવેક્ષકના રૂપમાં કામ કર્યું હતું.

અજિત જોગીએ 1997થી 1999 સુધી મુખ્ય પ્રવક્તા, કૉંગ્રેસ સંસદીય દળની સાથે સાથે એઆઈસીસીના મુખ્ય પ્રવક્તાના રૂપમાં કામ કર્યું. 2004માં 14મી લોકસભામાં મહાસમુંદ છત્તીસગઢથી સાસંદ તરીકે ચૂંટાયા હતા. 2008માં છત્તીસગઢની વિધાનસભાના સદસ્ય તરીકે ચૂંટાયા હતા.

2014માં મહાસમુંદ લોકસભા ચૂંટણીમાં પોતાની બેઠક બચાવવામાં અસફળ રહ્યા અને ભાજપના ચંદૂ લાલ સાહૂ સામે 133 મતોથી હાર મળી હતી.

જૂન 2016માં અજિત જોગીએ છત્તીસગઢ જનતા કૉંગ્રેસ નામના રાજકીય સંગઠનની સ્થાપના કરી હતી. 2018માં અજિત જોગીએ જાહેરાત કરી હતી તેઓ રાજનંદગાંવ અને મારવાહી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે. તેનો મતલબ હતો તેઓ સીધા ડૉ રમન સિંહને પડકાર આપશે પરંતું તે મરવાહીથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી વિધાનસભાના સદસ્ય બન્યા.

9મે બપોરે 12.10 વાગ્યે હાર્ટ અટેક આવ્યા બાદ તેમને રાયપુરની નારાયણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 29 મે 20 દિવસ બાદ બપોરે 3.30 વાગ્યે તેમનું નિધન થયું.