Raipur News: રાયપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ છે જ્યાં એક હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાઈલટના મોત થયા હતા. આ મોટી દુર્ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાયપુર પોલીસે આ હેલિકોપ્ટર દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. રાયપુર પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એપી શ્રીવાસ્તવનું નિધન થયું છે.


રાયપુર એરપોર્ટ ઉપર આ અકસ્માત રાત્રે 9.10 કલાકે થયો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, "હમણાં જ રાયપુર એરપોર્ટ પર સ્ટેટ હેલિકોપ્ટરની દુર્ઘટના અંગે દુઃખદ સમાચાર મળ્યા. આ દુઃખદ હાદસામાં આપણા બે પાયલોટ કેપ્ટન પાંડા અને કેપ્ટન શ્રીવાસ્તવનું દુઃખદ નિધન થયું છે. ભગવાન તેમના પરિવારના સભ્યોને શક્તિ આપે અને દુઃખની ઘડીમાં દિવંગત આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ"




હવે ટેસ્ટીંગ દરમિયાન કયા કારણે હેલિકોપ્ટર ક્રેશ લેન્ડ થયું તે તપાસનો વિષય છે. હાલ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી જે તસવીરો સામે આવી છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે. લેન્ડિંગ એટલું ખતરનાક હતું કે એક પાયલોટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, બીજા પાયલોટને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને પણ બચાવી શકાયો નહોતો.