કન્હૈયાના સમર્થનમાં ચિદંબરમ, કહ્યુ- દિલ્હી સરકારને પણ રાજદ્રોહ કેસની સમજણ નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Feb 2020 11:59 AM (IST)
કોગ્રેસ નેતા પી.ચિદંબરમે દિલ્હી સરકાર પર આ નિર્ણયને લઇને નારાજગી વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. કોગ્રેસ નેતા પી.ચિદંબરમે દિલ્હી સરકાર પર આ નિર્ણયને લઇને નારાજગી વ્યક્ત કરી છે. પી.ચિદંબરમે શનિવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે, રાજદ્રોહ કાયદા અંગે કેન્દ્ર સરકારની જેમ દિલ્હી સરકારની સમજ પણ ઓછી છે. હું આઇપીસીની કલમ 124એ અને 120બી હેઠળ કન્હૈયા કુમાર અને અન્ય વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપવાનો ભારે વિરોધ કરું છું. દિલ્હી સરકારના નિર્ણય પર કન્હૈયા કુમારે પણ પ્રતિક્રિયા આપી છે. કન્હૈયા કુમારે એક ટ્વિટમાં શુક્રવારે કહ્યું હતુ કે, દિલ્હી સરકારને સેડિશન કેસની પરમિશન આપવા માટે ધન્યવાદ. દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ છે કે આ કેસને હવે ગંભીરતાથી લેવો જોઇએ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સ્પીડી ટ્રાયર થાય અને ટીવીવાળી ‘આપકી અદાલત’ના બદલે કાયદાની અદાલતમાં ન્યાય સુનિશ્વિત કરવામાં આવે. સત્યમેવ જયતે.