સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને મેટાની પ્રાઈવેસી પોલિસી મામલાની સુનાવણી દરમિયાન ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ડેટા શેરિંગની આ પ્રક્રિયા ભારતીય યુઝર્સના ગોપનીયતા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જો કે, CCIના વકીલે NCLATના કેટલાક તારણો સામે વાંધો ઉઠાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે વોટ્સએપ યુઝરનો ડેટા શેર કરવા પર મેટાને ફટકાર લગાવી હતી. 3 ફેબ્રુઆરી, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, "અમે યુઝર્સની જાણકારીનો કોમર્શિયલ ઉપયોગ કરવાની મંજૂરી આપીશું નહીં. આ કોર્ટ સામાન્ય લોકો માટે છે. અબજો રૂપિયાની કોઈ આંતરરાષ્ટ્રીય કંપની માટે નહીં. નાગરિકોની ગોપનીયતા એ મૂળભૂત અધિકાર છે."
સુપ્રીમ કોર્ટે મેટાને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો.
સુપ્રીમ કોર્ટે મેટાને કડક શબ્દોમાં પૂછ્યું, "તમે એવા યુઝર્સને નાપસંદ કરવાનો વિકલ્પ આપશો જે ડેટા શેર કરવા તૈયાર નથી. પરંતુ શું રસ્તાની બાજુમાં ફળ વેચનાર તમારી શરતો સમજી શકે છે? તમારી શરતો એટલી જટિલ ભાષામાં લખાયેલી છે કે અમે પણ તેમને સમજી શકતા નથી. આ ચોરીનું એક સ્વરૂપ છે. અમે તેને મંજૂરી આપીશું નહીં."
CJI જસ્ટિસ સૂર્ય કાંતે વોટ્સએપને નિર્દેશ આપતા કહ્યું હતું કે, "અમે તમને મેટા સાથે કોઈપણ માહિતી શેર કરવાની મંજૂરી આપીશું નહીં. અમે તમને આ દેશની ગોપનીયતા નીતિઓ સાથે રમવાની મંજૂરી આપીશું નહીં."
આ સમગ્ર કેસમાં કોર્ટ સમક્ષ ત્રણ મુખ્ય અપીલો હતી. મેટા, વોટ્સએપ અને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) તરફથી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ આ અપીલોનો પક્ષ રાખ્યો હતો. સુનાવણી દરમિયાન મેટાના વકીલે દલીલ કરી હતી કે કોર્ટના આદેશ મુજબ 213 કરોડ રૂપિયાનો દંડ ચૂકવી દેવામાં આવ્યો છે.
અપીલોની સુનાવણી ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ કરવામાં આવશે.
વોટ્સએપના વકીલે દલીલ કરી હતી કે તેની નીતિઓ અન્ય આંતરરાષ્ટ્રીય અધિકારક્ષેત્રોના ધોરણો અનુસાર છે. જો કે, આ દલીલો સાંભળ્યા પછી CJIએ જણાવ્યું હતું કે NCLAT સમક્ષ જાન્યુઆરી 2025ના આદેશની સ્થિતિ હજુ પણ મહત્વપૂર્ણ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે હવે તમામ પક્ષકારોને નોટિસ જાહેર કરી છે. આ અપીલો પર વિગતવાર સુનાવણી હવે સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ થશે.