India-China Navy News: ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણ વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીનને વધુ એક ફટકો પડ્યો છે. ભારતે ચીનને હવે દરિયાઈ સરહદમાં જોરાદર આંચકો આપ્યો છે. ચીનનું 'જાસૂસી જહાજ' યાંગ વાંગ-5, જે થોડા દિવસો પહેલા હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું જેણે હવે આ ક્ષેત્ર છોડી દેવું પડ્યું છે. એક વિશ્વસનીય અહેવાલ અનુસાર, ભારતીય નૌકાદળના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, લાંબા અંતરથી જાસૂસી કરવામાં સક્ષમ ડ્રોન અને મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ સહિત ભારતીય નૌકાદળના જહાજો દ્વારા ચીનના જહાજ પર સતત નજર રાખવામાં આવી રહી હતી.


ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ-5 બેલેસ્ટિક મિસાઇલો અને સેટેલાઇટ ટ્રેકિંગ પર નજર રાખવાના ઉપકરણોથી સજ્જ હોવાનું માનવામાં આવે છે. ભારત ચીનના આ જહાજની જાસૂસી પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરતુ આવ્યું છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, યુઆન વાંગ-5 ભારતના મેરીટાઇમ ઝોનમાં પ્રવેશ્યું હતું જેને હવે આ જળ વિસ્તાર છોડીને ચીન રવાના થવું પડ્યું છે. 


ભારતીય નૌકાદળની બાજ નજર


ભારતીય નૌકાદળ ચીની બેલિસ્ટિક મિસાઇલો અને સેટેલાઇટ ટ્રેકિંગ જહાજની હિલચાલ પર નજર રાખી રહી છે. ચીન દ્વારા IORમાં તેના સંશોધન જહાજોની તૈનાતી વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ગયા ઓગસ્ટ મહિનામાં શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર આ જહાજના ડોકીંગને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો. ચીની સંશોધન જહાજ તેના  6 દિવસની વિવાદાસ્પદ મુસાફરી બાદ 22 ઓગસ્ટના રોજ શ્રીલંકાના જળવિસ્તારમાંથી રવાના થઈ ગયું હતું.


નૌકાદળના વડાએ નિવેદન


નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું ક, ભારતીય નૌકાદળ હિંદ મહાસાગરમાં તમામ ઘટનાક્રમો પર નજીકથી નજર રાખી રહ્યું છે, જેમાં આ ક્ષેત્રમાં કાર્યરત ચીની નૌકાદળના જહાજોની હિલચાલનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું ક, હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના અનેક જહાજો છે. અમે તમામ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખીએ છીએ. તેમણે કહ્યું કે, લગભગ 60 અન્ય વધારાના પ્રાદેશિક દળો હિંદ મહાસાગર પ્રદેશ (IOR)માં હંમેશા હાજર રહે છે.


તવાંગમાં અથડામણ


9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ ભારતની ત્રણેય સેનાઓ તૈયાર છે. ભારતીય વાયુસેનાએ તવાંગ વિસ્તારમાં તેના ફાઈટર એરક્રાફ્ટની ફ્લાઈટની સંખ્યામાં વધારો કર્યો છે. જ્યારે સેના પણ સતર્ક છે. તો બીજી બાજુ ભારતીય નૌકાદળ પણ તેના સમુદ્ર વિસ્તાર પર સતત નજર રાખી રહ્યું છે. તવાંગમાં થયેલી અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા હતા. જોકે તેમાં ચીની સૈનિકોની સંખ્યા વધુ છે. આ અગાઉ 2020માં ગાલવાનમાં થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચે આ પ્રકારની પહેલી અથડામણ છે. ભારતીય સેનાએ આ વખતે પણ ચીની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે.