નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રિયમંત્રી સ્વામી ચિન્મયાનંદ પર આરોપ લગાવનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ બોપન્નાની બેન્ચે કહ્યું કે, અમે યુવતી સાથે મુલાકાત કરી છે. યુવતીએ તમામ સવાલોના જવાબ આપ્યા છે. યુવતી પોતાના કોલેજના મિત્ર સાથે ઉત્તર પ્રદેશથી બહાર ગઇ હતી. તે દિલ્હીમાં રહેવા માંગે છે.


બેન્ચે કહ્યું કે, યુવતી દિલ્હીમાં જ પોતાના માતાપિતાને મળવા માંગે છે. કોર્ટે દિલ્હી પોલીસને યુવતીની સુરક્ષાની જવાબદારી સોંપી હતી. યુવતીના વકીલે કહ્યું કે, યુવતી પોતાના પિતા સાથે વાત કરવા માંગે છે. એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમાજીત બેનર્જીન જસ્ટિસ ભાનુમતિને કહ્યું કે, અમે યુવતીની સુરક્ષાને લઇને ચિંતિત છીએ. યુવતીને દિલ્હી પોલીસની સુરક્ષા આપવામાં આવે. આ બાબતની જાણકારી પોલીસ કમિશનરને આપવામાં આવે.


સુપ્રીમ કોર્ટના આદેશ બાદ યુવતીને કોર્ટમાં લાવવામાં આવી હતી. એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમાજીત બેનર્જીએ સુનાવણીમાં યોગી સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.