કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર મોબ લિંચિગ વિરુદ્ધ નવો કાયદો બનાવવા જઇ રહી છે. વિધાનસભામાં આજે રજૂ કરવામાં આવેલા નવા બિલમાં મોબ લિંચિંગ વિરુદ્ધ કડક જોગવાઇઓનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. પશ્વિમ બંગાળ (પ્રિવેશન ઓફ લિંચિંગ) બિલ 2019 રાજ્ય વિધાનસભામાં આજે રજૂ કરવામાં આવ્યં હતું. બિલમાં ભીડને ભડકાવનારાઓને આજીવન કારાવાસની મહતમ સજાની જોગવાઇઓ છે. લિંચિંગ વિરુદ્ધ કાયદો બનાવનારા રાજસ્થાન અને મણિપુર બાદ પશ્વિમ બંગાળ ત્રીજુ રાજ્ય બન્યુ હતું. આ કાયદા હેઠળ એ લોકોને સજા આપવાની જોગવાઇએ છે જે લિંચિંગ માટે કાવતરુ રચે છે. તે સિવાય એ લોકોને પણ સજાની જોગવાઇ છે જે લિંચિંગમાં સામેલ હોય છે.
નોંધનીય છે કે 17 જૂલાઇ 2018ના રોજ સુપ્રીમ કોર્ટે મોબ લિંચિંગ વિરુદ્ધ નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કાયદો બનાવવા માટે નિર્દેશ આપ્યા હતા. વર્ષ 2018ના અંતમાં મણિપુર સરકારે મોબ લિંચિંગ વિરુદ્ધ કાયદો પસાર કર્યો હતો. મણિપુર બાદ રાજસ્થાન સરકારે પણ પાંચ ઓગસ્ટના રોજ મોબ લિંચિંગ વિરુદ્ધ નવો કાયદો બનાવ્યો હતો. રાજસ્થાનમાં આ કાયદો બન્યા બાદ મોબ લિંચિંગના પીડિતોના મોત પર દોષિતોને આજીવન કારાવાસ અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થશે. આ પ્રકારની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થવા પર દોષિતોને 10 વર્ષની સજા અને 50 હજારથી 3 લાખ રૂપિયાનો દંડની જોગવાઇ કરાઇ છે.