શાહજહાંપુરઃ જાતીય શોષણ મામલામાં જેલમાં બંધ પૂર્વ કેન્દ્રિય મંત્રી ચિન્મયાનંદ સ્વામી અને તેમની પાસેથી ખંડણી માંગનારી આરોપી પીડિત વિદ્યાર્થીનીની જામીન અરજી સોમવારે કોર્ટે ફગાવી દીધી હતી. જિલ્લા સત્ર ન્યાયાલયના સરકારી વકીલ અનુજ કુમાર સિંહે કહ્યું કે, સોમવારે જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં આરોપી ચિન્મયાનંદની જામીન અરજી પર સુનાવણી કરાઇ હતી. તે સિવાય ચિન્મયાનંદ પાસેથી ખંડણી માંગનારી આરોપી પીડિતા વિદ્યાર્થીનીની પણ જામીન અરજી પર સુનાવણી કરાઇ હતી.
તેમણે કહ્યું કે ચિન્મયાનંદ અને પીડિતા બંન્નેની અરજીઓને કોર્ટે ફગાવી દીધી હતી. જ્યારે આરોપી ચિન્મયાનંદના વકીલ ઓમ સિંહે કહ્યું કે તે ચિન્મયાનંદની જામીન અરજીને ફગાવ્યા બાદ આ મામલાની અપીલ ઇલાહાબાદ હાઇકોર્ટમાં કરશે.
પીડિત વિદ્યાર્થીનીના વકીલ અનૂપ ત્રિવેદીએ કહ્યું કે,સોમવારે ચિન્મયાનંદની જામીન અરજી પર દલીલ દરમિયાન સરકારી વકીલે તર્ક રજૂ કર્યો હતો કે ચિન્મયાનંદ જ્યારે નિર્વસ્ત્ર થઇને પીડિતા પાસે માલિશ કરાવતા હતા દરમિયાન પીડિતા તેનો વિરોધ કરતી હતી ત્યારે તેની સાથે બળપ્રયોગ કરવામાં આવતો હતો. ત્રિવેદીએ કહ્યું કે એવામાં જ્યાં બળપ્રયોગ કરવામાં આવે છે ત્યાં કલમ 376 લગાવવામાં આવે છે નહી કે 376 (સી). પીડિતાના વકીલ ત્રિવેદીએ કહ્યું કે, સુનાવણી દરમિયાન તેમનું કહેવું હતું કે, જે ખંડણીનો વીડિયો અગાઉ વાયરલ કરાયો હતો તે બે હિસ્સામાં બનાવવામાં આવ્યો હતો પ્રથમ હિસ્સાને વાયરલ કરી દેવાયો હતો અને તે વીડિયોનો બીજો ભાગ 26 સપ્ટેમ્બરના રોજ વાયરલ કરાયો હતો અને આ વીડિયોમાં ટેમ્પરિંગ કરાયું હતું.