મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર અને શિવસેનાના યુવા પ્રમુખ આદિત્ય ઠાકરે મુંબઇની વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનાર આદિત્ય ઠાકરે પ્રથમ સદસ્ય બન્યા છે. આ પહેલા બાલા સાહેબ, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે કોઈએ પણ ચૂંટણી નથી લડી. આદિત્ય ઠાકરેએ કહ્યું, રાજકારણથી તમે ઘણા લોકોનું સારૂ કરી શકો છો. મારા માટે ખૂબ મોટું પગલુ છે પરંતુ મને કોઈ ચિંતા નથી કારણ કે મને સંભાળવા માટે તમે લોકો છો. આદિત્ય ઠાકરે શિવસેનાની યુવા સેનાના પ્રમુખ છે.


મહારાષ્ટ્રમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે. 25 વર્ષનાં આદિત્ય ઠાકરે ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં જન આશિર્વાદ યાત્રા પર નિકળ્યા હતાં. આ કાર્યક્રમનો હેતૂ લોકોને ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવાનો હતો.

મહારાષ્ટ્રની 288 બેઠકો પર 21 ઓક્ટોબરના ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરના પરિણામ આવશે. નામાંકનની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર છે. 2014માં ભાજપ-શિવસેના અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. તે સમયે ભાજપ 122 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું જ્યારે શિવસેનાને 63 બેઠકો મળી હતી.