એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને પાર્ટીના તમામ બાગી સાંસદોને એલજેપીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર પશુપતિ પારસ, પ્રિંસ રાજ, વીણા દેવી, મહબૂબ અલી કૈસર અને ચંદન સિંહને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે પાર્ટીની સક્રિય સદસ્યતાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ તેઓ પાર્ટીમાં કોઈપણ પ્રકારના નિર્ણય લેવા અધિકાર નહી હોય.


એલજેપીમાં બગાવત બાદ બધા વિચારી રહ્યા હતા કે હવે ચિરાગ પાસવાન શું કરશે ? ચિરાગ આગળ શું નિર્ણય લેશે ? ખાસ કરીને એલજેપી સાંસદ પશુપતિ પારસના ઘરની બહારથી જે તસવીરો સામે આવી હતી, તેને ઘણા સવાલો ઉભા કર્યા હતા. કાકા સહિત અન્ય સાંસદોની બગાવતથી નારાજ ચિરાગે તમામ સામે કડક પગલા  લીધા છે. 


રાજકીય ગરમાવા વચ્ચે ચિરાગ પાસવાને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના નાતે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એલજેપીના પાંચ બાગી સાંસદોને પાર્ટીમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એલજેપીમાં ભંગાણ બાદ ચિરાગ કાલથી પોતાના કાકા પશુપતિ પારસના ઘરના ચક્કર લગાવી રહ્યા હતા, પરંતુ કાકા તેમની સાથે મુલાકાત માટે તૈયાર નહોતા. 


ચિરાગ પાસવાનએ ટ્વિટમાં જણાવ્યું કે, 'પિતાની બનાવેલી આ પાર્ટી અને પોતાના પરિવારને સાથે રાખવા માટે મે પ્રયાસ કર્યા પરંતુ હું અસફળ રહ્યો. પાર્ટી માતા સમાન છે અને માતા સાથે ક્યારેય દગો ના કરવો જોઇએ. લોકતંત્રમાં જનતા જ સર્વોપરિ છે. પાર્ટીમાં આસ્થા રાખનારા લોકોનો હું ધન્યવાદ પાઠવું છું. એક જૂનો પત્ર હું શેર કરું છું.'


પટનામાં ચિરાગના સમર્થકોએ કાકા પશુપતિ કુમાર પારસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર અને હોબાળો કર્યો છે. સમર્થકોએ પશુપતિ પારસ સહિત તમામ 5 સાંસદો અને નીતિશ કુમારની તસવીરો પણ સળગાવી.