પટનાઃ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના જર્નાદન ઘાટ પર આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્ર ચિરાગ પાસવાને પિતાને મુખાગ્નિ આપી હતી. પિતાને મુખાગ્નિ આપ્યા બાદ ચિરાગ મુર્છિત થઈને ઢળી પડ્યો હતો. પટનાના ગંગા ઘાટ પર પિતાના શોકમાં ગમગીન ચિરાગ ક્યારેક ખુદને સંભાળતો તો ક્યારેક માતાના આંસુ લૂછતો નજરે પડ્યો હતો. પિતાને મુખાગ્નિ આપ્યા બાદ બેભાન થઈને ચિરાગ પડતાં જ પાસે ઉભેલા પિતરાઈ ભાઈઓ તથા હાજર રહેલા લોકોએ સંભાળ્યો હતો.


રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કારમાં  મુખ્યમંત્રી નીતિશ કુમાર,  કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબે, તેજસ્વી યાદવ, મંત્રી મંગલ પાંડેય, સાંસદ રામકૃપાલ યાદવ, મહેશ્વર હજારી સહિત તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. ગંગા ઘાટ પર અંતિમ સંસ્કાર પહેલા નેતાએ તેમને શ્રદ્ધાજંલિ આપી હતી. જે બાદ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  આ દરમિયાન સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.



બિહારની રાજનીતિના ચર્ચિત ચહેરા અને લોકપ્રિય નેતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા હજારો લોકોની ભીડ સવારથી જનાર્દન ઘાટ પર એકઠી થઈ હતી. સુરક્ષાના હેતુથી ભીડને નિયંત્રિત કરવા માટે બેરેકેડ લગાવી દેવાયા હતા.



ગુરૂવારે સાંજે લાંબી બીમારી બાદ રામ વિલાસ પાસવાનનું નિધન થઈ ગયુ હતુ. 74 વર્ષીય રામવિલાસ પાસવાન ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.