નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) નેતા ચિરાગ પાસવાને પડકાર ફેંકતા કહ્યુ કે, એલજેપી કોટામાંથી કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે તો હું કોર્ટ અને જનતાની વચ્ચે જઈશ. ચિરાગ પાસવાને કહ્યુ કે, તે પ્રધાનમંત્રીનો વિશેષાધિકાર છે કે તે કોને મંત્રીમંડળમાં સ્થાન આપે છે. ચિરાગે દાવો કરતા કહ્યુ કે પાર્ટી મારી છે અને 90 ટકા કાર્યકારિણી સભ્યો અમારી સાથે છે. ચિરાગે કહ્યુ કે, કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તાર બાદ જેડીયૂમાં ફૂટ પડશે. ચિરાગે કહ્યું મે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી જાણ કરી છે. જો તેમને એલજેપી સાંસદ તરીકે મંત્રી બનાવાશે તો હું કોર્ટમાં જઈશ. અપક્ષ સાંસદ અથવા જેડીયૂ કોટામાંથી મંત્રી બનશે તો કોઈ વાંધો નથી.


સોમવારે પટનામાં આયોજીત એક પત્રકાર પરિષદ દરમિયાન ચિરાગે પોતાના કાકા પર હુમલો કર્યો છે. ચિરાગે પશુપતિ કુમાર પારસ પર પરિવાર અને પાર્ટી તોડવાનો આરોપ લગાવ્યો છે. ચિરાગે કહ્યુ કે, કાકાએ રામવિલાસ પાસવાનના વિચારોની હત્યા કરી છે. તે એવા લોકો સાથે જઈને બેઠા છે, જેણે રામવિલાસ પાસવાનના જીવિત રહેતા તેમના રાજકીય કદને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. હવે તેમની જયંતિ પર તેમને યાદ પણ કર્યા નથી. 


ઉલ્લેખનીય છે કે લોજપા સંસદીય દળના નેતા પશુપતિ કુમાર પાસર સાથે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ રાજકીય વર્તુળોમાં તેમને કેન્દ્રીય મંત્રી બનાવવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે 8 જુલાઈએ કેન્દ્રીય મંત્રીમંડળમાં વિસ્તાર થઈ શકે છે.  જો તેમ થયું તો પારસ તે દિવસે કેન્દ્ર સરકારમાં સામેલ થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાતચીતને લઈને પૂછાયેલા સવાલ પર પશુપતિ પારસે અમિત શાહ સાથે વાતચીતની પુષ્ટિ કરી પરંતુ કહ્યું કે, તેમની વચ્ચે કોઈ રાજકીય વાતચીત થઈ નથી. તેમના અનુસાર અમિત શાહે રામવિલાસ પાસવાનની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે ફોન કર્યો હતો. તેમણે રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે, હંમેશા તેમની ખોટ પડશે. 


મોદી મંત્રીમંડળનું વિસ્તરણ



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહે થશે. જોકે તેમાં એક દિવસનો વિલંબ થઈ શકે છે. ગઠબંધન સાથીઓ સાથે વાતચીત પૂરી ન થવાના કારણે મંત્રીમંડળ વિસ્તરણની તારીખ લંબાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી મંત્રીમંડળમાં એક મંત્રાલય પર નીતિશ કુમાર માનતા નથી. નીતિશ તેમની પાર્ટીને ત્રણ મંત્રાલય મળે તેમ ઈચ્છે છે.



મંત્રીમંડળ વિસ્તરણ આઠ જુલાઈએ જશે. તેની પહેલા આજે પીએમ મોદીએ મહત્વની બેઠક બોલાવી છે. આ પહેલા મોદી અને શાહની બીજેપીના સંગઠન મંત્રી બીએલ સંતોષ સાથે બેઠક થઈ ચુકી છે. જેમાં મંત્રીમંડળ વિસ્તરણને અંતિમ રૂપ આપવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.



 નવા મંત્રી મંડળમાં 17 થી 22 મંત્રી શપથ લેશે. જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં સ્થાન અપાય તેમ માનવામાં આવે છે.  ઉપરાંત પ્રાદેશિક પક્ષોના નેતાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.