કોલકત્તાઃ પશ્વિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ગુરુવારે મમતા સરકાર પર હેલિકોપ્ટરની સુવિધા નહી આપવાનો આરોપ લગાવ્યો છે. વાસ્તવમાં 15 નવેમ્બરના રોજ આયોજીત થનારા એક કાર્યક્રમમાં સામેલ થવા માટે રાજ્યપાલ જગદીપ ધનખડને સરકાર હેલિકોપ્ટરની સુવિધા આપી રહી નથી.

હવે રાજ્યપાલે પશ્વિમ બંગાળના મુખ્ય સચિવને આ અંગેની માંગણી કરી છે. તેમણે મુર્શિદાબાદના એસએનએચ કોલેજની રજત જયંતિ સમારોહમાં સામેલ  થવા માટે હેલિકોપ્ટરની માંગ કરી હતી. આ અગાઉ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્ધારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના નિર્ણય પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, બંધારણીય પદો પર બેસેલા કેટલાક લોકો ભાજપના લોકોની જેમ કામ કરી રહ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે, કેટલાક લોકો પોતાના કાર્યક્ષેત્રની બહાર જઇને કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને કેન્દ્ર સરકારની જગ્યા લેવી જોઇએ નહીં. કેન્દ્રએ નિશ્વિત રીતે તેના પર ધ્યાન રાખવું જોઇએ.