નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને નાથવા રસીકરણ વેગીલું બનાવવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં દેશમાં વધુ એક રસીને મંજૂરી આપવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ સિપ્લાને મોડર્નાની રસી આયાત કરવાની મંજૂરી આપી છે. આ અંગં નીતિ આયોગના સભ્ય ડો.પૌલે કહ્યું, મોડર્નાની રસીને મંજૂરી આપવામાં આવી છે. જે આંતરરાષ્ટ્રીય ધોરણે વિકસાવેલી પ્રથમ રસી છે. જેનો મર્યાદીત ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે. હાલ, કોવેક્સિન, કોવિશીલ્ડ, સ્પુતનિક-વી તથા મોડર્ના એમ ચાર રસી છે. ફાઇઝર સાથેની ડીલ ટૂંક સમયમાં જ થશે.


મોડર્નાએ જણાવ્યું છે કે, અમેરિકન સરકારે ભારત સરકારને ઉપયોગ માટે કોવેક્સના માધ્યમથી મોડર્નાની રસીને મંજૂરી આપવા કહ્યું છે. મુંબઈ સ્થિત દવા કંપની સિપ્લાએ અમેરિકન દવા કંપની સાથે પાર્ટનરશિપમાં આ દવા બનાવશે.






સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસ  ત્રણ કરોડ 3 લાખ 16 હજાર 897 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો  બે કરોડ 93 લાખ 66 હજાર 601 છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસ  5 લાખ 52 હજાર 659 છે. દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 3 લાખ 97 હજાર 637 છે.  દેશમાં સતત 47મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.


કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે


દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.80 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.


દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર


કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.